ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીધામ આર્યસમાજના 68મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને બીજા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. 'સુહાના સફર' પુસ્તિકાનું વિમોચન હાજર રહેલા મહાનુભાવોએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં કર્યું હતું.
રાજ્યપાલે મહાનુભાવોની સેવાકીય પ્રવૃત્તિઓ બિરદાવી
આ પ્રસંગે ઉદ્બોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આ અધિવેશનના પ્રેરણાસ્ત્રોત અને આર્ય પ્રતિનિધિ સભા, અમેરિકાના સ્થાપક ગિરીશ ખોસલાજીએ ગાંધીધામ આર્યસમાજના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. તેઓએ વર્ષ 2001ના ભૂકંપમાં કચ્છમાં અનેક બાળકોના દાદા-પિતા બનીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે. રાજ્યપાલે ગિરીશ ખોસલાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપીને તેમના સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી હતી. ગાંધીધામ આર્યસમાજ સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવોની સેવાકીય પ્રવૃતિઓ અને સામાજિક પ્રવૃત્તિઓને રાજ્યપાલે બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સેવાકાર્યોના લીધે અમેરિકા સુધી ગાંધીધામ આર્યસમાજનો ડંકો વાગ્યો છે.
રાજ્યપાલે આર્યસમાજના વખાણ કર્યા
તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ગાંધીધામ આર્યસમાજ એક ઐતિહાસિક આર્યસમાજ છે. આ સમાજની સામાજિક પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યો પ્રશંસાને પાત્ર છે. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત સૌને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આપણે આ પ્રસંગે દેશ અને દુનિયામાં આર્યસમાજના વિચારોને જન આંદોલનની જેમ આગળ વધારવા જોઈએ. ભારતની આઝાદીથી માંડીને સામાજિક ઉત્થાન, સ્ત્રી શિક્ષા, વેદોનો પ્રચાર, કુરિવાજોની નાબૂદી માટે આર્યસમાજે મહત્વનું કાર્ય કર્યું છે. આજે ફરીથી આપણે એ જ મક્કમતાથી નવી ચેતના સાથે સમગ્ર આર્યસમાજમાં એક નવી સ્ફૂર્તિ ઊભી કરવાની છે. આવનારો સમય આપણા માટે એક નવી પ્રેરણા લઈને આવી રહ્યો છે. બધા જ આર્યજનો એકતાના સૂત્રમાં બંધાઈને પૂર્ણ પરિશ્રમ અને સમર્પણ સાથે આર્યસમાજની વિચારધારાને જનમાનસ સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું તો નિશ્ચિત સમાજ માટે ખૂબ જ મોટું યોગદાન બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.