કાસેઝની કંપનીના વેરહાઉસથી રૂ.7.94 લાખની કીંમતનો સામાન ચોરી થયાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ન્યૂ કાસેઝમાં રહેતા અને નારાયણ મરિન ટેક પ્રા.લિ. કંપનીમાં પરચેસ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.18/12 ના તેઓ પોતાના વતન હતા ત્યારે કંપનીમાં ચોકિદાર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર દુર્ગાપ્રસાદ વર્માએ ફોન કરી તેમને જાણ કરી હતી કે કાસેઝમાં આવેલા આપણી કંપનીના વેરહાઉસમાંથી કંપનીએ ઇમ્પોર્ટ કરેલી મશિનરીના પાર્ટ ઓછા થયા હોય તેવું લાગે છે.
વેરહાઉસમાં જઇ સ્ટોક લીધો તો રૂ.1,27,000 ની કિંમતના પીસ્ટનના 5 બોક્સમાંથી 1 નંગ, રૂ.1,64,000 ની કિંમતના 8 કેમસાફ, રૂ.1,32,020 ની કિંમતના 23 બેરિંગ સેલ, રૂ.20,500 ની કિંમતના 4 બેરિંગ, 1,90,650 ની કિંમતના 31 એકઝોસ્ટ વાલ્વ અને ઇનલેટ વાલ્વ, રૂ.20,500 ની કિંમતના 3 પીસ્ટન પાર્ટ્સ સહિત કુલ રૂ.7,94,170 ની કિંમતના મશિનરીના પાર્ટ્સ ચોરી થયા હોવાનું જાણવા મળતાં તેમણે તા.12/4 થી તા.18/12 દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો વેરહાઉસની બારીની ગ્રીલ તોડી આ ચોરીને અંજામ આપી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
કાસેઝની અભેદ સિક્યુરિટી વચ્ચે થતી ચોરીની ઘટનાઓ સમજાતી નથી
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પ્રવેશ કરવો હોય તો સિક્યુરિટીના અનેક કોઠા ભેદવા પડે છે. પરંતુ અગાઉ પણ સમયાંતરે કાસેઝમાં થતી ચોરીઓની ઘટના જાહેર થઇ ચૂકી છે ત્યારે સવાલ એ છે કે આવડી મોટી મત્તા લઇ જતા તસ્કરો સિક્યુરિટીના ધ્યાને નહીં આવતા હોય ? ખરેખર તો કાસેઝ અંદર ચાંપતી નજર રાખવાની અને કડક કાર્યવાહી કરવાની જરૂર હોવાનો સૂર દરેક વખતે ઉઠે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.