રજુઆત:કચ્છની આર્થિક, ઔદ્યોગિક અને બંદરીય નગરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્તી વધારો અને જીવનધોરણનું પ્રમાણ ઘણું ઉચું
  • ચેમ્બરની રાજયના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

સમગ્ર ગુજરાતની ‘અ’ વર્ગની 18 નગરપાલિકાઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી ગાંધીધામ નગરપાલિકા ગણાય છે ત્યારે તેને અડીને આવેલા બે મહાબંદરો કંડલા અને મુન્દ્રાને કારણે આયાત-નિકાસના 40 ટકા દરિયાઇ કાર્ગોની હેરફેર ધરાવતું, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝનની મોટા ભાગની માલ-પરિવહનની પૂર્તતા કરતું, નમક, ટીમ્બર, ઓઇલ તેમજ અનેકવિધ ઔદ્યોગિક પ્રકપોના સહારે ક્ચ્છ અને ગુજરાતનું આર્થિક તથા ઔદ્યોગિક કેન્દ્ર ગણાતું તેમજ ભારત ભરમાંથી પ્રગતિની તક શોધતા લોકો ગાંધીધામ આવી વસ્યા છે ત્યારે તેને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા રાજયના મુખ્યમંત્રી સમક્ષ ગાંધીધામ ચેમ્બર દ્વારા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને પ્રયાસ આદરાયો છે.

ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા અનુસાર બંદરીય વિસ્તાર ધરાવતા આ સંકુલમાં વસ્તી ગણતરી ધ્યાને લેવાઇ નથી, એ અહિંની કમનસીબી છે, પરંતુ અંદાજે પાંચ લાખથી ઉપરની વસ્તી અને આજુબાજુના વિસ્તારમાંથી રોજના અંદાજે એકાદ લાખ લોકોની અવર-જવરને કારણે ટ્રાફિક, ગીચતા, સફાઇ, આરોગ્ય તેમજ ડ્રેનેજ, પાણી, વીજળી અને નિયમિત રખ-રખાવ જેવા અનેક પ્રશ્નો ઉદ્દભવતા હોઇ સુદઢ વહીવટી શાસનની જરૂરિયાત છે, જે ફક્ત મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયે જ મળી શકે, તેમ છે.

વિશાળ ક્ષેત્રફળ ધરાવતા જિલ્લાનો સુચારૂ રૂપે વહીવટ થઇ શક્તો નથી તેમજ એસ.આર.સી., ડીપીએ, જીડીએ, નગરપાલિકા તેમજ અન્ય સંલગ્ન ક્ચેરીઓ વચ્ચે સંકુલની પ્રજાને તક્લીફો ભોગવવી પડે છે. આ અંગે વધુ માહિતી આપતાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણી જણાવે છે કે, આદિપુર-ગાંધીધામ, જોડિયા શહેરો શૈક્ષણિક નગરીની ઓળખ ધરાવે છે, તેમ છતાં અહીં, આરોગ્ય, શિક્ષણ અને ટ્રાન્સપોર્ટેશન જેવી પાયાની સુવિધાઓ સાથે સરકારી વહીવટી ક્ચેરીઓ પણ જિલા ક્ક્ષાની માંગ ધરાવે છે, જેથી કરીને પૂર્વ કચ્છના છેવાડાના વિસ્તારને પણ અહીંનો વહીવટી લાભ મળી શકે.

ભવિષ્યમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત વધશે ત્યારે આ નિર્ણય અતિ જરૂરી
અહીં હયાત બે મહાબંદરોની સાથે જ તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ પોર્ટ આકાર લઇ રહયું છે, ત્યારે હજુ પણ આવનારા સમયમાં અનેક ઉદ્યોગો અહીં આવશે. તો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિને કારણે પણ વધતા વસ્તી વધારા વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઉભી થશે, તેવું એક અનુમાન સેવાઇ રહ્યું છે તો શહેરમાં રહેલી વ્યાપારની તકોને કારણે વિદેશી નાગરિકો પણ આ શહેર તરફ આકર્ષાય છે, તેવું જોવા મળી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાનો દરજ્જાનો નિર્ણય અતિ જરૂરી હોવાનું ચેમ્બરના માનદ મંત્રી તિર્થાણીએ જણાવ્યું હતું.

ધારાસભ્યએ અંગત રસ લઇ આ પ્રશ્ન મુખ્યમંત્રી સમક્ષ ઉપાડવાની ખાતરી આપી
આ જોડિયા શહેરોની વસ્તી અને વિકાસને ધ્યાનમાં રાખી તથા નાગરિકોની સુવિધા વધારવા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પાસે પણ રજુઆત કરતાં તેઓએ અંગત રસ લઇ આ પ્રશ્ન રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઉપાડી લેવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...