માંગણી:દેશના સૌથી મોટા જિલ્લા કચ્છને એઈમ્સ જેવી હોસ્પિટલ, આંતરાષ્ટ્રીય એરપોર્ટ આપો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ જિલ્લાના ધારાસભ્યોનું સન્માન કરાયું, ચેમ્બરે અપેક્ષાઓ રજુ કરી

રાજ્યની ચુંટણીઓ ગત મહિનેજ સંપન્ન થઈ છે ત્યારે કચ્છના તમામ ધારાસભ્યોનો 'ઉજવણી કચ્છીયતની' શિર્ષક હેઠળ સન્માન સમારોહ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભવનના પ્રાંગણમાં યોજાયો હતો. જેમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત પાંચ ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને લોકોની અને ટ્રેડની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની નેમ વ્યક્ત કરી હતી, તો ચેમ્બર દ્વારા તક ઝડપતા ટ્રેડ અને લોકોની અપેક્ષાઓ પણ રજુ કરી હતી.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે સાંસદ અને ધારાસભ્યો સહિતનાનો આવકાર કરતા તેમના વિજય માટે શુભકામના પાઠવી હતી. આ સાથે તેમણે કેટલાક મહત્વના મુદાઓ પણ રજુ કર્યા હતા. જેમાં કચ્છ ભારતનો વિશાળ જિલ્લા હોવાથી પશ્ચિમ સાથે પુર્વ કચ્છમાં પણ એઈમ્સ જેવી હોસ્પિટલની જરૂર જણાય છે, જેથી રાપર ભચાઉના છેવાડાના ગામોને પણ ઝડપી સુવિધાઓ મળી શકે. તો પશ્ચિમ કચ્છમાં એનઆરઆઈ સમુદાયના કારણે તો પુર્વ કચ્છમાં ઔધોગિક સમુદાયના કારણે આર્થિક સમૃદ્ધિ હોવાથી દેશ વિદેશમાં વસતા પ્રવાસીઓની અવર જવરને જોતા ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ તુરંત જરૂરી જણાય છે.

આ સિવાય કચ્છના હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ, કૃષિ અને બાગાયતી ખેતીની દેશ વિદેશમાં જબરદસ્ત માંગ છે, જેને પ્રોત્સાહન આપવા માર્કેટીગ સિસ્ટમ ઉભી કરવા, જી 20 દેશોના પ્રતિનિધિઊ સફેદ રણમાં મળી રહ્યા છે ત્યારે ટુરીક્ષમ અને વેપારને કચ્છને પ્રાથમિકતા મળે તેવા પ્રયાસો આદરવાની વાત તેમણે રજુ કરી હતી. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા કચ્છી ભાષામાંજ પોતાની આગવા સરળ લહેકામાં વાત કરીને ચેમ્બરને આવકાર આપી લોકો માટે સતત કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ કચ્છની સૌથી સક્રિય સંસ્થા ગાંધીધામ ચેમ્બરને ગણાવીને મહાજનપણુ નિભાવવા શુભેચ્છા પાઠવીને હાયડ્રો પાવર,કંડલા અને માંડવીમાં ફેરી સર્વિસ સહિતની કરાયેલી માંગો પર થયેલા કાર્યો અને પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું. અંજારના ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગાએ ગાંધીધામ ચેમ્બરને રાજ્યની સૌથી સક્રિય સંસ્થાઓમાંથી એક ગણાવીને હવે સહુની એકજ દિશા વિકાસ હોવાનું જણાવ્યું હતું. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલએ ઔધોગિક વિસ્તાર છે તો સહુને સાથે રાખીને આગળ ચાલીયે તો સહુનું કામ અને વિકાસ થાય તેવો મત વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાએ શિક્ષણ, સાફ સફાઈ સહિતના વિવિધ ક્ષેત્રે થઈ રહેલા વિકાસકામોને ગણાવ્યા હતા. પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને પંકજ મહેતાએ પણ નર્મદાના નીરના આગમન અને ભવિષ્યની સંભાવનાઓ વિશે ચિતાર આપ્યો હતો. આ ક્ષણે ગાંધીધામ પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, કાર્યક્રમના અધ્યક્ષ ચેમ્બર પ્રમુખ સાથે સંચાલન સંભાળતા મંત્રી મહેશ તીર્થાણી, ઉપપ્રમુખ આદીલ શેઠના, પુર્વ પ્રમુખ બાબુભાઈ હુંબલ, દિનેશ ગુપ્તા, બચુભાઈ આહીર, ચંપાલાલ પારખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીધામમાં સ્વચ્છતા અભિયાન માટે એમપી ફંડમાંથી 20 લાખ ફાળવવાની જાહેરાત સાંસદે કરી
ગાંધીધામમાં ગંદકીનું સ્તર ઘણુ વધી ગયું હોવાની વારંવાર ઉઠતી ફરિયાદો અને છેલ્લે સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ થયેલી પીછેહટ થઈ હતી. ત્યારે આ કાર્યક્રમમાં ચેમ્બરને બીરદાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ દેશમાં ચાલેલા સ્વચ્છતા અભિયાનની તર્જ પર અહી પણ આવું અભિયાન છેડવા એમપી ફંડમાંથી 20 લાખ આપવાની જાહેરાત કરી ઈન્દોરમાં ચાલતી વ્યવસ્થાનો દાખલો આપી તેવી કોઇ વ્યવસ્થા અહી ઉભી કરવાની પ્રેરણા આપી હતી.

"પોર્ટને જે જમીન પોર્ટ ચલાવવા જોઇએ, તે રાખીને ગાંધીધામને મુક્ત કરે; માલતીબેન
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સમારોહમાં સંબોધતા ગાંધીધામના પ્રશ્નોને લોકો વચ્ચે અને સાથે રહીને ઉકેલવા કટીબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે શહેરના જલદ પ્રશ્ન એવા લેન્ડપોલીસીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પોર્ટને જેટલી જમીન પોર્ટ ચલાવવા જોઇએ, એટલી રાખીને બાકી શહેરને મુક્ત કરે તે પ્રકારની પ્રક્રિયા અંગે સાંસદ સાથે તેમની વાતચીત ચાલુ છે, જે અંગે પ્રધાનમંત્રીને રજુઆત કરાશે.

બ્રહ્મ સમાજ દ્વારા ધારાસભ્યોનું સન્માન કરાયું
આદિપુર પંચમુખી હનુમાન મંદિરમાં કચ્છના ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પંચમુખી મંદિરના મહંત પ્રકાશ આનંદ મહારાજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદભાઈ દવે, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાનું સ્વાગત આદિપુર અંજાર અને ભચાઉ શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ સ્વાગત કર્યું હતું. બ્રહ્મસમાજના આગેવાનો આશિષ જોશી, અતુલ પંડ્યા, હિરાલાલ રાજગોર, મહેશ જોશીએ સહુ વતી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...