માંગ:‘ગાંધીધામને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ આપો’

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા અધ્યક્ષાએ આરોગ્ય રાજ્યમંત્રીને કહ્યું મનસુખ માંડવીયા સાથે વાત થઈ છે, તમે આગળ વધો..
  • 8.22 કરોડના ખર્ચે આદિપુરમાં સબ ડિસ્ટ્રિકટ રામબાગ સરકારી હોસ્પિટલની નવી ઈમારતનું લોકાર્પણ કરાયું

ગાંધીધામના આદિપુરમાં 8.22 કરોડના ખર્ચે નવ નિર્મિત સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ રામબાગનું અને જુના હોસ્પિટલ બિલ્ડિંગનું વિસ્તૃતિકરણનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે કરાયેલા કરાયું હતું. આ સાથે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારાઓનું સન્માન પણ કરાયું હતું, કાર્યક્રમમાં નોંધપાત્ર જાહેરાત સાથે વિધાનસભા અધ્યક્ષે રાજ્યકક્ષાના મંત્રીને સંબોધતા કહ્યું કે રામબાગ હોસ્પિટલને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવાની ફાઈલ પ્રભારી જે.પી. ગુપ્તા પાસે પડી છે, તેને મંજુર કરાવો એટલે રામબાગ જિલ્લા કક્ષાની હોસ્પિટલ થઈ જશે અને કચ્છની જ્યારે વાત કરુ ત્યારે બે જિલ્લાજ સમજવા, એવીજ રીતે એક ભુજમાં મેડિકલ કોલેજ તો આપી, હવે એક અહી પણ આપો. એ માટે પણ કેંદ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે વાત થઈ ગઈ છે, તમે આગળ વધો. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને ડિસ્ટ્રીક્ટ બનાવવા ધારાસભ્ય દ્વારા પણ વાત છેડાઈ હતી પરંતુ તેને એક પગલું આગળ લઈ જઈને વિધાનસભા અધ્યક્ષ દ્વારા મેડિકલ કોલેજની વાત ને છેડાતા પુર્વ કચ્છ માટે આને મહત્વપુર્ણ ઉધ્વવર્તી પગલા તરીકે લેવામાં આવી રહ્યો છે.

કચ્છમાં પ્રથમવાર આવેલા રાજ્યમંત્રી નિમિષાબેનના હસ્તે 150 પથારીની સરકારી હોસ્પિટલનું લોકાપર્ણ કરાયું હતું. ગાંધીધામમાં દાન આપનારા એકે હજારા છે ત્યારે ગરીબોને ફાયદો થાય એ માટે આ જિલ્લાને સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ મળે તે માટે અધ્યક્ષાએ રાજ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. અધ્યક્ષાએ વડાપ્રધાનએ ભુકંપમાંથી કચ્છને બેઠું કર્યું અને તમામ કોરોના વોરિયર્સના સઘન પ્રયાસો તથા સેવાથી કચ્છ પુન: દોડતું કર્યુ તે માટે આરોગ્ય ટીમ, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, પોલીસકર્મીઓની નોંધ લઈને જરૂરતમંદોની સેવા કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મુદે તેમની પાસે જાદુઈ ચીરાગ ન હોવાનું કહીને પ્રયાસ કરશે તેમ કહ્યું હતુ. વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનવાળી સરકારમાં વિકાસની ઝડપ તેજ ગતિએ છે.

અબાલ વૃદ્ધ મહિલાઓ સહિત 30 વર્ષથી ઉપરના યુવાઓમાં હૃદયરોગ, કેન્સર, બીપી જેવા બિનચેપી રોગો ઉદભવે નહિ તે માટે દર શુક્રવારે રાજ્યમાં નિરામય આરોગ્ય વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાય છે. જિ. પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ નાગરિકોના આરોગ્યની ચિંતા સરકારે કરીને 5 લાખના આયુષ્યમાન કાર્ડ અને બિન ચેપી રોગો માટે નિરામય કાર્ડ હેઠળ પ્રજાને આપ્યા હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ નજીકના સમયમાં જીલ્લા હોસ્પિટલ પણ બને એમ તેમણે બેનને રજૂઆત કરીને શિણાય ડેમને નર્મદાના નીરથી ટુંક સમયમાં ભરાશે, ટાગોર રોડ પર ઓવરબ્રીજનું કામ ચાલુ છે અને રાજવી ફાટકનું કામ ડો. નીમાબેનના આર્શિવાદથી શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

હોસ્પિટલના અધિક્ષક ડૉ. કમલા સાદીયાએ હોસ્પિટલની સારવાર સુવિધાની વિગતે માહિતી પૂરી પાડી હતી. સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે જિલ્લાની આરોગ્ય સેવાઓ અંગે વિગતો રજૂ કરી હતી. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી રણછોડભાઇ રબારી, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, આરોગ્ય સમિતિના ચેરમેન કરસનસિંહ જાડેજા, બળવંતભાઈ ગઢવી, ડો. પાર્થ જાની, ડો.પીપળીયા, મીનાબેન આચાર્ય, ડો. ભાવેશભાઈ આચાર્ય, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાંગડ,પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણી, કલેકટર પ્રવિણા ડી.કે, અધિકારી ભવ્ય વર્મા, ડૉ. પ્રેમકુમાર કન્નર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સુતરીયા, બાબુભાઈ હુંબલ, સુરેશ ગુપ્તા સાથે સ્ટાફ, લોકો હાજર રહ્યા હતા.

સૌથી વધુ પ્રસુતિ કરાવનારા, જન આરોગ્યમાં ભાગ લેનારા કર્મીઓનું સન્માન
જિલ્લામાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં સૌથી વધુ કામ કરનાર રામબાગ સરકારી હોસ્પિટલનું, સૌથી વધુ પ્રસૂતિ કરાવવાનારા રાપર તાલુકાના ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું, સૌથી વધુ પ્રસૂતિ કરાવનાર દૂધઈ સબ સેન્ટરના ફિમેલ હેલ્થ વર્કરશ્રી પ્રવિણાબેન ધબનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમજ જિલ્લાના લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડ વિતરણ કર્યાં હતા. આ પ્રસંગે કોરોના કાળમાં અને આ કાર્યક્રમના આયોજનમાં પણ મહત્વપુર્ણ ભુમિકા ભજવનાર તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુતરીયાનો કોઇ ઉલ્લેખ કે સન્માન ન થતા આશ્ચર્ય ફેલાયું હતું. નોંધવુ રહ્યું કે કોરોના કાળમાં ગાંધીધામ તાલુકામાં તેમની ખડેપગે કરેલી કામગીરીનું સહુ કોઇ સાક્ષી રહ્યું હતું.

1968માં 25 બેડથી શરૂઆત, આજે રોજ 600 ઓપીડી
રામબાગ હોસ્પિટલની શરૂઆત 1968માં 25 બેડ સાથે કરાઈ હતી, જેમાં વર્તમાન સાથે વધુ 79 બેડ ભળતા કુલ 150 બેડની હોસ્પિટલ બની છે. તો રોજ 500 થી 600 ઓપીડી, 400 ડાયાલીસીસ, 200 સામાન્ય ડીલીવરી સહિતની કામગીરી કરાય છે.

પોસ્ટમોર્ટમ માટે જાણીતું ‘રામબાગ’ મહેકમ વિના કઈ રીતે હોસ્પિટલ બનશે !?
રામબાગને સામાન્ય રીતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે ઓળખવામાં આવતો હોવાનો ઉલ્લેખ કાર્યક્રમમાં વારંવાર કરાયો હતો. પરંતુ હજુ પણ આ નવી ઈમારતનું ઉદઘાટન કરાયા બાદ, તેમાં મહેકમ ફાળવાયો નથી. ત્યારે ખરેખર આ હોસ્પિટલ તેના નિર્ધારીત સ્વરુપમાં મહેકમ વિના કેમ આવી શકે તે પ્રશ્નાર્થ છે. કરોડોના ખર્ચે ઉભી કરેલી ઈમારત આખરે તો તબીબો, નર્સ, સ્ટાફ વિના બેજાન ખોખુજ બની રહેવાનું હોવાનો સુર ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...