ગંભીર ચૂક:અંજારમાં વીર બાળ સ્મારક ઉપરથી પસાર થાય છે ગેટકોની 66 કે.વી. વીજ લાઇન !

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે હેવી વીજ લાઇન નીચે બાંધકામની પરવાનગી હોતી નથી ત્યારે અાખેઅાખુ સ્મારક બની ગયું કેવી રીતે ?
  • સ્થળ પસંદગી વખતે કોઇનું ધ્યાન ન ગયું કે નજર અંદાજ કરાયું તે મોટો પ્રશ્ન

ભૂકંપ વખતે અંજારમાં પ્રજાસત્તાક દિવસની રેલી દરમિયાન શહીદ થયેલા 185 બાળકો અને 20 જેટલા શિક્ષકોની યાદમાં બનેલું વીર બાળ સ્મારકનું ત્રણ મહિના પહેલા વડાપ્રધાને ભુજથી લોકાર્પણ કર્યું હતું. ભૂકંપના 21 વર્ષે માંડ સ્મારક બન્યા બાદ સુરક્ષાની દ્રષ્ટીઅે ખૂબ જ ગંભીર ચૂક જોવા મળી છે. સ્મારક પર ગેટકોની 66 કેવીની વીજ લાઇન પસાર થઇ રહી છે. સ્મારક બનાવતી વખતે કોઇનું તેના પર ધ્યાન કેમ ન ગયુ તેના પર પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.

અા અંગે મળતી વિગતો મુજબ હાલમાં જ મોરબી પૂલ દુર્ઘટનાના લીધે રાજ્યભરમાં સુરક્ષા અંગે પગલા ભરવામાં અાવી રહ્યા છે. તેવામાં આ સ્મારકમાં સુરક્ષાની ચૂક મુદ્દે જાગૃત નાગરિકોએ ભાસ્કરનું ધ્યાન દોર્યું હતું.

ભૂકંપ વખતે અંજારમાં પ્રજાસત્તાક દિન નિમીતે રેલી નિકળી હતી. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો જઇ રહ્યા હતાં. ત્યારે જ ભૂકંપ અાવતા અંદાજે 185 બાળકો અને 20 શિક્ષકો કાટમાળ નીચે અાવી જતા અવસાન પામ્યા હતાં. બાળકોના વાલીઅોના અાંસુ અાજની તારીખે નથી સુકાયા. સરકાર દ્રારા અા વીર બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત તો વર્ષો પહેલા કરી દીધી હતી. પરંતુ રાજકીય ઇચ્છા શક્તિ અને વહીવટી કારણોસર સ્મારક બનાવાની પ્રક્રિયા અટવાતી રહી હતી. અંતે ભૂકંપના 21 વર્ષે અા વીર બાળ સ્મારકનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં અાવ્યું હતું.

28મી અોગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે ભુજ ખાતે સ્મૃતિવનના લોકાર્પણ સાથોસાથ અંજારના અા સ્મારકને પણ લોકો માટે ખુલ્લો મુખ્યો હતો. મોડે મોડે પણ સ્મારક બન્યા બાદ શહેરીજનો અને વાલીઅોઅે રાજીપો વ્યક્ત કર્યો હતો. અંજાર માટે અા ખુબ જ લાગણીશીલ મુદ્દો હતો.

પરંતુ અા બધાની વચ્ચે સુરક્ષાની દ્રષ્ટીઅે ચોંકાવનારો મામલો બહાર અાવ્યો છે. સ્મારકની બીલકુલ ઉપરથી ગેટકોની હેવી વીજ લાઇન પસાર થાય છે. સામાન્ય રીતે અા હેવી વીજ લાઇન નીચે ગેટકો કોઇ બાંધકામની પરવાનગી અાપતુ નથી. નાના બાંધકામના પણ અમુક નિયમો છે.

વળી કોઇ બાંધકામ પહેલા ગેટકોની પરવાનગી પણ લેવાની હોય છે. પરંતુ અા વીર બાળ સ્મારકના બાંધકામમાં કોઇ પરવાનગી પણ લેવામાં અાવી છે કે કેમ તેની ગેટકોની જાણકારીમાં નથી. સરકારી જ કામ હોવાથી પરવાનગીની કોઇ પ્રક્રિયા હાથ ધરાઇ નથી. તેવામાં અા સમગ્ર મામલો હવે કેટલાક જાગૃત લોકોના ધ્યાને આવ્યો છે. તેઅોઅે અા અંગે વિવિધ પ્રશ્નો પણ ઊભા કર્યા છે.

લોકોને લાગે છે કાટ લાગ્યો પણ હકીકતમાં અા અેક વિશેષ સ્ટીલ
વીર બાળ સ્મારક જોવા લોકો અાવે છે અને ભૂકંપમાં શહીદ થયેલા બાળકો અને શિક્ષકોના નામની યાદી વાંચે છે. તો સ્મારકમાં અન્ય પણ લોખંડના ઢાંચા બનેલા છે. જોકે અા લોખંડને જોઇને લોકો તે કટાઇ ગયા હોય તેવુ લાગે છે. જોકે અા બાબતે તપાસ કરતા તે કટાઇ નહીં પણ વિશેષ પ્રકારનું સ્ટીલ હોવાનું બહાર અાવ્યું હતું. તે વિશેષ કોર્ટન સ્ટીલ હોવાનું અને સમય પ્રમાણે તેનો કાટ ઉતરીને બરાબર થઇ જશે તેવો દાવો જીએસડીએમ દ્વારા કરાયો હતો.

વડાપ્રધાનની તકતી હજુ જમીન પર
વડાપ્રધાને છેક 28મી અોગસ્ટના અા સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. જોકે તેની તકતી હજુ જમીન પર પડેલી છે. અા તકતી અાર અેન્ડ બી વિભાગને લગાડવાનું કહેવાયુ છે. જે હજુ લાગી નથી.

મંજૂરીની તથા બાંધકામ અંગે તપાસ કરાશે : ગેટકો
તો અા અંગે ગેટકોના સુપ્રિન્ટેન્ડેટ એન્જિનિયરો વી.કે. પટેલનો સંપર્ક કરાતા તેઅોઅે જણાવ્યું હતુ કે અા 66 કેવી લાઇન નીચે સામાન્ય રીતે કોઇ બાંધકામની મંજૂર અપાતી નથી. જોકે અા મામલામાં મંજૂરી લેવાઇ છે કે કેમ તથા લાઇન સ્મારકના કયા ભાગમાંથી પસાર થાય છે તેની તપાસ કર્યા બાદ કશુક કહી શકાશેે.

અન્ય સમાચારો પણ છે...