ગાંધીધામમાં મામલતદાર કચેરીના નવનિર્માણ કાર્ય ટુંક સમયમાં શરૂ થાય તે દિશામાં કાર્ય આગળ ધપી રહ્યું છે. સતાવાર સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામની નવી મામલતદાર કચેરી ડીસી 5 એરીયામાં,હાલ એસપી કચેરીની પાછળના પ્લોટ પર બનાવવામાં આવશે. અહી હાલ કરતા વિશાળ પ્લોટ કચેરી માટે પ્રાપ્ત થયેલો છે. જેમાં કચેરી સાથે મુખ્ય સ્ટાફ ક્વાટરનું નિર્માણ પણ કરાશે, આગામી બે મહિનામાં કામ શરૂ થઈને ત્યારબાદ 12 મહિનામાં કામ પુરુ કરવા તરફ કાર્ય હાથ ધરાયું છે.
દરેક નાગરિકને કોઇને કોઇને કાર્ય માટે મામલતદાર કચેરીએ ક્યારેક જવુંજ પડે છે ત્યારે તે કચેરીના સ્થાનના નામેજ જે તે વિસ્તાર સમય જતા ઓળખાવા મંડતો હોવાની પરંપરા છે. હાલની કચ્છકલા રોડ પર રહેલી મામલતદાર કચેરીનું સ્થળ બદલાવીને ડીસી 5 એરીયામાં કચેરીનું નવનિર્માણની પ્રાથમિક પ્રક્રિયાઓનો આરંભ કરી દેવાયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભવનના કન્ટ્રક્શન સબંધિત એસ્ટીમેટ અને ટૅન્ડરીંગની પ્રક્રિયા શરૂ કરી છે, જેને દોઢ બે મહિનમા આટોપીને બે મહિના બાદ કંટ્રકશન કામ શરૂ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
ડીસી 5 એરીયામાં મામલતદાર કચેરી માટે મળેલો પ્લોટ વર્તમાન કચેરી કરતા સંભવિત 10 ગણો મોટો છે ત્યારે ત્યાં નાગરિકોની વધુ સારી રીતે સેવા થઈ શકસે તેવો આશાવાદ મામલતદાર મેહુલ ડાભાણીએ વ્યક્ત કર્યો હતો. નોંધવુ રહ્યું કે વર્તમાન કચેરી છેલ્લા 20થી વધુ વર્ષોથી કાર્યરત છે અને શહેરની વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થવા પામ્યો છે. ત્યારે ઓછી જગ્યામાં કચેરીના સ્ટાફે એડજસ્ટ કરીને કાર્ય કરવુ પડી રહ્યુ છે, જેના કારણે કામ માટે આવી રહેલા નાગરિકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
1997માં ગાંધીધામ તાલુકો બન્યા બાદ મામલતદાર કચેરી 400ક્વાટર્સમાં શરૂ થઈ હતી
1997માં ગાંધીધામ તાલુકો આકારમાં આવ્યા પહેલા શહેરમાં અધિક મામલતદારની કચેરી હતી, સૌ પ્રથમ કચેરી 400 ક્વાટર વિસ્તારમાં બેસતી હતી, જ્યાંથી ત્યારબાદ ઓસ્લો એરીયામાં કચેરી સ્થાપીત કરાઈ હતી. 2001ના ભુકંપના ગાળા દરમ્યાન વર્તમાન કચ્છ કલા રોડ પરની કચેરીએ મામલતદાર કચેરી શરૂ કરાઈ હતી.
ડીસી 5 એરીયામાં સરકારી કચેરીઓનો દબદબો વધશે
પાંજો ઘર તરીકે પણ ઓળખતા ડીસી 5 વિસ્તારમાં ન્યાયાલય આવેલુ છે તો તેની બાજુમાં પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી અને તાલુકા પંચાયતની કચેરી પણ આવેલી છે. મામલતદાર કચેરી અહી આવી જતા આ વિસ્તારમાં સરકારી કચેરીનો દબદબો વધી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.