કચ્છ ઝળક્યું:ગાંધીધામની મહિલા ASI એ બેંગ્લોર ખાતે 3 ગોલ્ડ મેડલ જીતી ગૌરવ અપાવ્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટકમાં જયપ્રકાશ નારાયણ ટ્રેનિંગ સેન્ટર ખાતે નેશનલ ગેમ્સમાં કચ્છ ઝળક્યું
  • સિધ્ધિ મેળવ્યા બાદ કચ્છ સરહદી રેન્જ આઇજીપીએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી

ગાંધીધામખાતે પૂર્વ કચ્છ પોલીસના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એથલેટિક્સમાં અનેક મેડલો જીતનાર મહિલા એએસઆઇએ તા.11 થી તા.14 દરમિયાન બેંગ્લોર ખાતે રમાયેલી પાન ઇન્ડીયા નેશનલ ચેમ્પિયનશિપ-2022 માં 100 મીટર દોડ, ગોળા કેંક અને ચક્રફેંકમાં મેદાન મારી 3 ગોલ્ડ મેડલ જીતી પૂર્વ કચ્છ પોલીસ બેડાની સાથે કચ્છનું ગૌરવ વધાર્યું છે.

મુળ જસદણના અને હાલે પૂર્વ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવી રહેલા કિંજલબેન નારાણભાઇ ખોખરિયાએ તા.11/5 થી તા.15/5 દરમિયાન કર્ણાટક બેંગ્લોરના જયપ્રકાશ નારાયણ યુથ ટ્રેનિંગ સેન્ટર ખાતે રમાયેલી પાન ઇન્ડીયા નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે 100 મીટર દોડ, ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં શાનદાર દેખાવ કરી પ્રથમ નંબર હાંસલ કરી 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. મહિલા એએસઆઇ તરીકે ફરજ બજાવવાની સાથે સ્પોર્ટ્સમાં પણ અવ્વલ રહી પૂર્વ કચ્છ પોલીસ પરિવાર સાથે તેમણે કચ્છને ગૌરવ અપાવ્યું છે.

આ સફળતા બાદ કચ્છના સરહદી રેન્જના આઇજીપી મોથાલિયાએ પણ તેમને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. આ મહિલા એએસઆઇ વર્ષ-2021 નવેમ્બરમાં મહારાષ્ટ્રના નાસિક ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની એથલેટિક્સની રમતોમાં ભાગ લઇ 100 મીટર, 200 મીટર દોડ, ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલઇ જીતી ચુક્યા છે, તો માર્ચ-2022 માં મહારાષ્ટ્રના બદલાપુરમાં રમાયેલી રાષ્ટ્રીય સ્તરની 100 મીટર, 200 મીટર , ચક્ર ફેંક અને ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમાંક મેળવી તેઓ રાજ્ય સ્તર માટે પસંદગી પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...