મેહુલિયો મન મુકીને વરસ્યો:ગાંધીધામ 7 ઈંચ વરસાદથી થંભી ગયું, મેહુલિયો મન મુકીને વરસ્યો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારથી સાંજ સુધી વર્ષાથી ગાંધીધામ – આદિપુરમાં વાહનો તણાવા લાગે એટલા પાણી વહ્યા, કંડલા પોર્ટને આંશિક અસર
  • ચાવલા ચોકથી ભારતનગર સહિતના વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા,સુધરાઈ જેસીબી સાથે દોડતી રહી

ગાંધીધામમાં મંગળવારના વેહેલી પરોઢથી શરૂ થયેલી મેઘાની સવાર સાંજના જઈને અટકી હતી, જ્યાં સુધીમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો, જેના કારણે આખા સંકુલમાં વરસાદ અને જળભરાવથી સંચારબંધી લાગુ પડી ગઈ હોય તેમ લોકો બહાર નિકળ્યા નહતા, રેગ્યુલર દિવસ હોવા છતાં માર્કેટ બંધ રહી હતી, શહેરના ઘણા વિસ્તારોમાં નદી રુપે પાણી તીવ્ર ગતી સાથે માર્ગો પર વહિ નિકળતા વટેમાર્ગુઓ, વાહન ચાલકો ફસાઈ ગયા હતા.

નિચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. પોર્ટ પર પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી, બલ્ક કાર્ગો હેંડલીંગ પોર્ટે ટાળી દીધુ હતું. મંગળવારના શહેરના પ્રવેશ દ્વારા ચાવલા ચોક,મુખ્ય માર્કેટ, ટાગોર રોડ, આદિપુર, ભારતનગર, લીલાશાહ, સેક્ટર એરીયા, ગણેશનગર સહિત સંકુલના મહતમ વિસ્તારો સવારથી શરૂ થયેલા વરસાદ બાદ બપોર થતા સુધીમાં પાણીથી ઘુંટણસમા પાણીથી ભરાઈ ગયા હતા.

જેઓ કોઇ કામથી નિકળ્યા હતા તેમના વાહનો બંધ થઈ જતા રોડ પરજ મુકીને જતા જોવા મળ્યા હતા. દર વર્ષેની જેમ ભારતનગરમાં સંજોગો વધુ ખરાબ જોવા મળ્યા હતા, અહી હજી પણ કોર્નરમાં ગોઠણ સુધી ભરાતા પાણીનું કોઇ સમાધાન તંત્ર કરી શક્યું નથી. સ્થિતિ વણસતી જોઇને સુધરાઈની પદાધિકારીઓ, કર્મચારીઓ અને કેટલાક વિસ્તારના નગરસેવકો ઓન ગ્રાઉન્ડ ઉતરી આવીને પાણી નિકાલનો પ્રયાસ કર્યો હતો.

મુખ્ય માર્કેટમાં સરદાર વલ્લભભાઈ પટેલના પુતળા થી ડીપીએ કચેરી, સેક્ટર સહિતના સ્થળોએ જેસીબી સાથે પાણીના અવરોધ દુર કરીને માર્ગ અપાયો હતો. કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા, સેનેટરી ચેરમેન કમલ શર્મા, દબાણ શાખાના લોકેન્દ્ર શર્મા, ભારતનગરમાં જીતુ નાથાણી, મોહન ભાનુશાળી સહિતના રોડ પર ઉતરીને પ્રયાસો આદર્યા હતા. આખા શહેરમા ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નોંધવું રહ્યું કે આ વર્ષે નાળા સફાઈની કામગીરી મોડી શરૂ કરવામાં આવી હતી.

45 જહાજ વેઈટીંગમાં - કંડલાના ચેરમેનએ પોર્ટ ધસી જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ભારે વરસાદના પગલે ડિપીએના ચેરમેન એસ.કે. મહેતા પોર્ટ પર ધસી આવ્યા હતા અને મૌસમની મારથી પોર્ટની કાર્યપ્રલાણી કેટલા હદે પ્રભાવિત થઈ રહી છે તેનું નીરીક્ષણ કર્યું હતું. પોર્ટના સુત્રોએ જણાવ્યું કે છેલ્લા 5 દિવસથી મૌસમ વિભાગની આગાહી અનુસર પોર્ટમાં બલ્ક કાર્ગોનું લોડીંગ અનલોડીંગ અટકાવી દેવાયું છે. તે જેટીઓનો ઉપયોગ કોલસા, મીઠા, ટિમ્બર જેવા અન્ય કાર્ગો હેંડલ કરવા માટે બર્થ ફાળવીને સમયનો સદઉપયોગ કરાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં 8,60,710 એમટી કાર્ગો હેંડલ કરાયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં કંડલામાં 45 જહાજ વેઈટીંગમાં હોવાનું જાણવા મળે છે.

અપનાનગર પાસે વૃક્ષ પડતા વીજપોલ તુટ્યો
ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં પોર્ટ કોલોનીના નહેરુ પાર્ક પાસે એચપી કોલોની સામે વૃક્ષ તુટીને વીજપોલ પર પડતા પોલ ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે કેટલાક અંશે વીજપુરવઠો ખોરવાયો હતો, પરંતુ ત્યારબાદ તે પુર્વવત રહ્યો હતો. વરસતા વરસાદમાં પીજીવીસીએલના કર્મચારીઓ તુટેલા થાંભલાની મરંમતનો વ્યાયમ કરતા નજરે ચડ્યા હતા. આ સિવાય અન્ય ત્રણ સ્થળોએ વૃક્ષો પડ્યાનું સામે આવ્યું હતું.

ખારીરોહરના ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા
ખારીરોહરના ઈશાક કોરેજાએ જણાવ્યું કે ખારીરોહરમાં વરસાદથી ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને ઠેર ઠેર જળભરાવની સ્થિતિ છે. આ અંગે ટીડીઓને પણ અગાઉ જાણ કરાઈ હતી.

હવે મચ્છરજન્ય રોગો વધવાની શક્યતાઃ આરોગ્ય વિભાગે કરી સ્વચ્છતાની અપીલ
ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે ત્યારે ઘરના તમામ પાણીના પાત્રો ટાંકી,ટાકા,માટલી વગેરે વાસણો ઢાકીને રાખવા, ઘરની આસપાસ પાણી ભરાયેલુ ન રાખવા દેવા, પાણી મા બળેલુ ઓઈલ કે કેરોસીન નાખવા પાણી ઉકાળીને પીવા અથવા તો 20 લિટરમા એક ક્લોરિન ની ગોળી નાખવા, બહાર ખોરાક ટાળવાની અપીલ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા દ્વારા કરાઈ હતી.

શાંતીધામના રહેણાક વિસ્તારને સુરક્ષા આપતી દિવાલ પડવાનો ભય
ગળપાદરના શાંતીધામ વિસ્તારમાં રહેતા કિરીટસિંહ વાઘેલાએ જણાવ્યું કે અગાઉ અગ્રણી દ્વારા ગળપાદરના નદી કાંઠે રહેતા લોકોને પાણી વધી જાય તો નુકશાની ન થાય તે માટે દિવાલ બનાવી આપી હતી, દરમ્યાન પુલ બનાવવા પાણીના મુખ્ય વહેણને બંધ કરીને બે નાલાઓ નાખ્યા છે. જેથી વહેણમાં અવરોધથી સુરક્ષા આપતી દિવાલ પર વધુ દબાણથી તે તુટી જવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.

લુણંગ દેવ રોડના અધુરા કામથી પરેશાની
વોર્ડ 1ના લુણંગદેવ રોડ પાસેથી પસાર થતા વરસાદી નાળાનું કામ છેલ્લા એક વર્ષથી ચાલુ છે, પરંતુ પુરુ નથી થયું. રમેશભાઈ આહીરે જણાવ્યું કે તેના કારણે વોર્ડના લોકોના ઘરમાં પાની ઘુસી ગયા હતા.

ભુખ્યા પશુ- પક્ષીઓના વહારે આવી સંસ્થા
ગાંધીધામમાં સવાર થી સાંજ સુધી વરસાદ ચાલુ હોવાથી ચકલા-કબૂતર જેવા અબોલ જીવો ચણ દાણા વગર ભૂખ્યા રહ્યા હતા. જેમના વહારે કર્તવ્ય ટીમે આવીને સ્વાયંસેવકો દ્વારા ઝંડા ચોક,લીલાશાહ સર્કલ સહિતની અન્ય સ્થળોએ ચકલા-કબુતરો માટે જુવારના ચણદાણા ની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...