પશ્ચીમ રેલવેના અમદાવાદ ડીઆરએમએ રવિવારે ગાંધીધામ રેલવે સ્ટેશન અને અહી 95 કરોડના ખર્ચે ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરી હતી. ગાંધીધામ રેલવે સ્ટેશન અને ગુડ્સ યાર્ડને વધુ મોટા બનાવવા માટે કાર્યોની શરૂઆત થઈ ચુકી છે, આ કામો આગામી એક વર્ષમાં પુર્ણ થશે તેમ રેલવેના સુત્રોએ જણાવ્યું હતું.
ગાંધીધામની મુલાકાતે આવેલા ડીઆરએમ તરુણ જૈનએ એઆરએમ આદીશ પઠાણીયા, સેક્રેટરી એસ.કે. સીંઘ સહિતના અધિકારીઓ સાથે ગાંધીધામ સ્ટેશન, ગુડ્સ યાર્ડ, કંડલા, તુણાની મુલાકાત લઈને પરિસ્થિતિઓ અંગે માહિતી મેળવી હતી. 95 કરોડના ખર્ચે ગાંધીધામના પેસેન્જર અને ગુડ્સ યાર્ડમાં વિવિધ સ્તરીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 10 કરોડ ડીપીએ, કંડલા આપી રહ્યું છે.
આ કાર્ય અંતર્ગત ગાંધીધામ રેલવે સ્ટેશનમાં હાલમાં રહેલી 8 લાઈનમાં વધુ બે લાઈનનો ઉમેરો કરાશે, આમ કુલ 10 લાઈન ધરાવતું વધુ ટ્રેનોને ઉભા રહેવાની ક્ષમતા ધરાવતું સ્ટેશન બનશે.તો હાલમાં ત્રણ પ્લેટફોર્મ છે, ત્યારે વધુ લાઈનો એડ થતા વધુ બે પ્લેટફોર્મ બનાવાશે. તેમજ સ્ટેશનના ક્ષેત્રને પણ વધુ વિકાસાવાશે.
ખારીરોહરમાં ત્રણ લાઈન છે, તેમાં વધુ એકનો ઉમેરો કરાશે, તો કંડલા અને ભીમાસરથી જે સીંગલ એંટ્રી છે, તેને ડબલ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. પેસેંજર શટીંગ અને વોશીંગ માટેના બેલાસની જગ્યાને પણ ગુડ્ઝ યાર્ડમાં સીફ્ટ કરાશે, જેથી સમયની બચત થશે.
લાંબી માલગાડી ઉભી રહી ઓપરેશન કરી શકે તે માટે 1500 મીટરની મોટી હોલ લાઈન બનશે
વિપુલ માત્રામાં કાર્ગોનું પરીવહન થઈ શકે તે માટે વધુ ડબ્બાઓ ધરાવતી માલગાડીને એક સાથે ઓપરેટ કરી શકાય તે માટે લોંગ હોલ લાઈન ગુડઝ યાર્ડમાં નિર્માણ પામી રહી છે. જે અંતર્ગત 1500 મીટર લાંબી લાઈન બનશે, જેમાં એક રીતે બે ટ્રનો એક સાથે ઉભી રહી શકે એટલી ક્ષમતા અને જગ્યા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.