છેતરપિંડી:બીએસએફના જવાન સાથે થયેલા ફ્રોડ બાદ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે ધાક બેસાડી

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી બંધ કરાવાઇ હોવાની સંભવત ગુજરાતની પ્રથમ ઘટના

ગાંધીધામ બીએસએફ કેમ્પના જવાને ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તમની સાથે આચરવામાં આવેલી છેતરપિંડી બાદ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ આવી ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી જ બંધ કરાવી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી.

આ બાબતે સાયબર ક્રાઇમના પીઆઇ પી.એન.ઝીંઝુવાડિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામ બીએસએફ કેમ્પના જવાન દિનેશકુમારે લોન લેવા માટે OB Cash Loan અને AG Loan એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરતી વેળાએ કોન્ટેક્ટ એલાઉ કરતાં અરજદારના તમામ કોન્ટેક્ટ ડીટેઇલ્સ આ બન્ને એપ્લિકેશનના સર્વરમાં ડાઉનલોડ થઇ હતી.

અરજદારને વ્યાજનો દર ઉંચો લાગતાં તેણે બન્ને એપ અન ઇન્સ્ટોલ કરી હતી. પરંતુ તેમ છતાં આ બન્ને એપ દ્વારા તેમના ખાતામાં રૂ.8,000 જમા કરાવાયા હતા. થોડા દિવસ બાદ અરજદારને વોટ્સ્એપ પર લોનભરપાઇ કરવા મેસેજ આવવા લાગતાં અરજદારે 8,000 ની લોન સામે રૂ.14,000 ભરપાઇ કરવાનું કહેતાં તેણે લોન ભરપાઇ કરી એપ અનઇન્સ્ટોલ કરી હતી.

પરંતુ બન્ને એપ્લીકેશન દ્વારા મોબાઇલ નંબર સાથે લિંક થયેલા બેંક ખાતામાં રૂ.5,200 પાછા જમા થયા હતા. આ રકમ જમા થયા બાદ અરજદારને વોટ્સએપ નંબર પર ફોન કરી જણાવાયું હતું કે જો તમે લોન ભરપાઇ નહીં કરો તો એડિટ થયેલા ફોટા વાયરલ કરી બદનામ કરવામાં આવશે.

આવુ કહેવાતાં અરજદારે આ બાબતે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ મથકને જાણ કરતાં પોલીસ સ્ટાફ અને સાયબર વોલિયન્ટરની મદદથી સતર્કતા દાખવી તરત એક્શન લઇ ટેકનિકલ એનાલિસીસના આધારે OB Cash Loan, AG Loan તથા KOKO Loan એપ્લિકેશન પ્લે સ્ટોર પર બંધ કરાવાઇ હતી. પીઆઇ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સંભવત ગુજરાતની પ્રથમ ઘટના છે.

મહેરબાની કરી આવી લોન માટે એપમાં એલાઉ પર ક્લીક ન કરો - પોલીસ
સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપના મોબાઇલ પર ઇન્સ્ટન્ટ લોન એપ જેવી કે HANDY LOAN, LONAN HOME4 MORE CASH, HI PUPPE, EASY LOAN,CASH HOLE જેવી વધુ વ્યાજ દરથી ટુંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવે છે.

આ ઇન્સ્ટન્ટ લોનની કોઇપણ એપ્લિકેશન ઓપન થતાં પહેલાં ફોનમાં સેવ કરેલા ઓલ કોન્ટેક્ટ લીસ્ટ, મેસેજીસ, ફોટા, વિડીયો ગેલેરી, લોકેશન, કેમેરાની સંમત ( એલાઉ) ની પરમીશન માગે છે. જો એલાઉ પર ક્લીક કરવામાં આવે તેની સાથે જ મોબાઇલમાં સેવ કરેલી તમામ ડિટેઇલ્સ તે એપ્લિકેશનના સર્વરમાં ડાઉનલોડ થઇ જાય છે.

​​​​​​​ત્યારબાદ તમારા પાસેથી રૂપિયાની માગણી કરે છે અને તમારા મિત્રો, પરિવારજનોને તમારા ફોટો તેમજ માહસ્તી મોકલી બદનામ કરી છેતરપિંડી આચરે છે માટે તમે આવી ઇન્સ્ટન્ટ લોન માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો.

અન્ય સમાચારો પણ છે...