એસટીને યક્ષપ્રશ્ન:ઘેટાં બકરાની જેમ માણસો ભરી માતેલા સાંઢની માફક દોડતી ગાંધીધામ-ભુજની ખાનગી બસો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ હજારો લોકો અપડાઉન કરે છે તો પૂરતી બસો કેમ નથી ફાળવાતી?
  • દરરોજ અંદાજે 40થી વધુ બસ 30 થી 35ની ક્ષમતા સામે 50 થી 60 લોકોને ‘ઠાંસી’ ને જોખમી સવારી કરાવે છે

કચ્છનું પાટનગર ભુજ અને આર્થિક પાટનગરી ગાંધીધામ વચ્ચે રોજ નાના મોટા કામો માટે હજારો લોકો અનેકવીધ રીતે અપડાઉન કરે છે. જેમાં એક મોટો વર્ગ પબ્લીક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, જેમાં આટલો મોટો નરી આંખે દેખાતો પ્રવાહ હોવા છતાં એસટી બસો દ્વારા દુર્લેક્ષ સાધીને જુજ બસોજ ફાળવી છે.

ગુરુવારે સવારે પોતાના પિતાને હોસ્પિટલમાં પગની સારવાર માટે લઈ જવા બે કલાક સુધી ભુજની બસની રાહ જોયા બાદ કંટાળેલા નયનભાઈએ અસુરક્ષીત પણ ખાનગી ટ્રાવેલ્સનો સહારો લેવો પડ્યો હતો. આવી પરિસ્થિતિ ઘણા મોટા વર્ગની છે, જે એસટીની રાહ જોઇ જોઇને અંતે ખાનગી બસોના શરણે થઈ જાય છે.

સુત્રોએ જણાવ્યું કે રોજ અંદાજે 40થી વધુ આ પ્રકારની ગાંધીધામ થી ભુજ અને ભુજથી ગાંધીધામ ફેરા કરતી બસો સતત ચાલતી રહે છે. જે તમામમાં ખરેખર મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા 30 થી 35ની હોય છે, પરંતુ ઘેટા બકરાની માફક લોકોને અંદર સુધી ‘ઠુંસી’ ને તેનાથી ડબલ લોકોને સવાર કરાવાયા છે.

અધુરામાં પુરુ વધુ એક ફેરો મારીને વધુ રોકડી કરવાના ચક્કરમાં એટલી બેફામ ગતીએ વાહન ચલાવાય છે, જે દરેક માટે ભારે જોખમી પરિસ્થિતિ ઉભી કરી શકે. ટ્રાફિક હોવા છતાં એસટીની બસો ન ફાળવવી, જવાબદારોની કામગીરી ન કરવી, આ તમામ ઘણા પ્રશ્નો જન્માવે છે.

વર્ષોથી ચાલતા આ નિયમ ભંગ પર આરટીઓ, ટ્રાફિક પોલીસ કેમ ચુપ?
વર્ષોથી આજ રીતે લોકોને ભરીને બસો દોડતી રહે છે અને નછુટકે લોકો તેમાં સવાર થાય છે, દરએક ટ્રીપમાં પ્રવાસીઓમાંથી ‘હવે બસ કરો, પગ રાખવાની જગ્યા નથી’ જેવી બુમો સાંભળી શકાય છે, પરંતુ આ તમામથી આરટીઓ અને ટ્રાફિક પોલીસ તેમજ સમગ્ર જવાબદાર પ્રશાસન એવી રીતે આંખ આડા કાન કરીને બેઠુ છે, જાણે આવું કોઇ નિયમન ભંગ થઈજ નથી રહ્યું. કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? પ્રબુદ્ધ વર્ગ, વૃદ્ધો અને સ્ત્રીઓમાંથી આ માટે વિશેષ ડ્રાઈવ ચલાવાય તેવી તીવ્ર માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...