ક્રાઈમ ન્યૂઝ અપડેટ:અંજારના વરસામેડી સીમમાંથી રૂ. 12.60 લાખના દારૂ સાથે ત્રણ દબોચાયા; ગાંધીધામમાં ગેરકાયદેસર ચાઇનિઝ દોરી વેંચતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ18 દિવસ પહેલા

અંજાર તાલુકાનાં વરસામેડી સીમમાંથી રૂા. 12.60 લાખના દારૂનાં જથ્થા સાથે ત્રણ ઈસમોને પોલીસે દબોચી લીધા હતા. જ્યારે બીજી બાજુ ગાંધીધામમાં મકરસંક્રાન્તિ નજીક આવી રહી છે. તેના અનુસંધાને પતંગ અને ફરકીઓના સ્ટોલ લાગી ચુકયા છે, પરંતુ ચાઇનિઝ દોરી વેંચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ઘણી જગ્યાએ આ ગેરકાયદેસર ધંધો કરાતો હોય છે. તેવામાં એ-ડિવિઝન પોલીસની નવી સુંદરપુરીમાં ચાઇનિઝ દોરી વેંચતા ઇસમને રૂ. 9,150ની કિંમતની 33 ફરકી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અંજારના વરસામેડી સીમમાંથી રૂ. 12.60 લાખના દારૂ સાથે ત્રણ દબોચાયા
આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.સી.બી ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વેલસ્પન કંપનીથી ખારા પસવારીયા તથા જી.આઈ.ડી.સી અંજાર તરફ જતા કાચા રસ્તા પાસે પડતર જમીનમાં દારૂની કટીંગ ચાલતી હોવાની બાતમી મળી હતી. સચોટ બાતમીનાં આધારે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડના દારૂની બોટલો 3600 સાથે વરસામેડીનાં બાબુભાઈ વીશાભાઈ રબારી, અજાપરનાં દેવજીભાઈ રવજીભાઈ રબારી તથા ભીમાસરના હરેશભાઈ રૂપાભાઈ રબારીને પકડી પાડ્યો હતો. આ દારૂનાં જથ્થા અંગે પુછપરછ કરતાં બાબુ રબારીએ આ દારૂનો જથ્થો બાડમેર રાજસ્થાનનાં લક્ષ્મણસિંહ પાસેથી મંગાવેલ હતો અને તેણે આ માલ કન્ટેનરમાં ભરીને મોકલાવ્યો હોવાની કબુલાત આપી હતી. આ કાર્યવાહીમાં રૂા. 12.60 લાખનો દારૂ, રૂા. 7 લાખની કિંમતની બલેનો કાર તથા રૂા. 30 હજારની કિંમતનાં ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ 19,90,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી બાબુ વીશા રબારી, દેવજી રવજી રબારી, હરેશ રૂપા રબારી, દારૂ મોકલનાર લક્ષ્મણસિંહ તથા કન્ટેનરમાં દારૂ લઈ આવનાર વિરૂદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીધામના નવી સુંદરપુરીમાં ગેરકાયદેસર ચાઇનિઝ દોરી વેચતો શખ્સ ઝડપાયો
આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ, એ-ડિવિઝન પોલીસ ટીમને મળેલી બાતમી મુજબ નવી સુંદરપુરીમાં તા. 4/1થી તા. 25/1 સુધી કલેક્ટરે ચાઇનિઝ દોરી ન વેંચવા જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમ છતાં ચાઇનિઝ દોરી વેંચી રહેલા નવી સુંદરપુરીનાં સન્ની રવીભાઈ દેવીપુજકને રૂા. 9100ની કિંમતની ચાઈનીઝ દોરીની ફીરકી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં પી.આઈ એ.બી.પટેલ સહિત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...