ટ્રેઝરી કચેરી પણ સલામત નહિ:અંજાર ટ્રેઝરી કચેરીમાંથી રૂ. 23.57 લાખ રોકડા તેમજ 1 કિલો ચાંદીની ચોરી, કુલ રૂ. 24.12 લાખની મત્તા તફડાવી અજાણ્યો શખ્સ ફરાર

ગાંધીધામ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના કર્મચારીઓ કેશ પેટી લેવા આવ્યાં ત્યારે જોયું તો સ્ટ્રોંગ રૂમને મારેલું સીલ તૂટેલી હાલતમાં હતું
  • આરટીઓ કચેરીની કેશ પેટીનું સીલ તૂટેલું હતું અને અંદર રહેલાં 23.57 લાખ રોકડા રૂપિયા ચોરાઈ ગયા

સરકારી કચેરીઓમાં થતી રોકડ આવક અને કિંમતી ચીજવસ્તુઓ કામચલાઉ ધોરણે રખાય છે તેવી અંજારની ટ્રેઝરી કચેરીના સ્ટ્રોંગ રૂમનું સીલ તોડી રૂ. 23.57 લાખ રોકડા અને 1 કિલો ચાંદી મળી રૂ. 24.12 લાખની માલમત્તાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે.

સ્ટ્રોંગ રૂમને મારેલું સીલ તૂટેલી હાલતમાં હતું
અંજારના પેટા તીજોરી અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈધે બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સ્ટ્રોંગ રૂમના સીલ તોડી, સીલબંધ પેટીઓના તાળાં તોડી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, દર્શનાબેને નિત્યક્રમ મુજબ ગુરુવારે સાંજે વિવિધ સરકારી કચેરીઓમાંથી આવેલી રોકડ રકમ ભરેલી સીલબંધ કૅશ પેટીઓ અને કિંમતી ચીજવસ્તુની પેટીઓને સ્ટ્રોંગ રૂમમાં મૂકી, સીલ કરીને ડ્યુટી પર હાજર પોલીસ ગાર્ડ પ્રવિણ સારંગની રજિસ્ટરમાં સહી લઈ એક ચાવી પોતાની પાસે અને બીજી ચાવી સિનિયર ઈન્ચાર્જ ક્લાર્ક અમૃતલાલ બાંભણિયાને આપી ઘરે ગયાં હતા. બીજા દિવસે સવારે ઓફિસે આવ્યાં અને 11 વાગ્યે આરટીઓ કચેરીના કર્મચારીઓ કેશ પેટી લેવા આવ્યાં ત્યારે જોયું તો સ્ટ્રોંગ રૂમને મારેલું સીલ તૂટેલી હાલતમાં હતું. કમાડ સ્હેજ અડાડીને બંધ કરેલાં હતા જેને સ્હેજ ધક્કો મારતાં ખૂલી ગયાં હતા.

પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
​​​​​​​સ્ટ્રોંગ રૂમની અંદર પ્રવેશીને જોયું તો આરટીઓ કચેરીની કેશ પેટીનું સીલ તૂટેલું હતું અને અંદર રહેલાં 23.57 લાખ રોકડા રૂપિયા ચોરાઈ ગયા હતા. દર્શનાબેને અન્ય પેટીઓ ચેક કરતાં મામલતદાર કચેરી દ્વારા જમા કરાયેલી પેટીનું સીલ પણ તૂટેલું હતું. તેમણે મામલતદાર કચેરીના સ્ટાફને બોલાવી તપાસ કરાવતાં તેમાંથી 1 કિલો ચાંદીના વિવિધ 136 નંગ ઘરેણાં તેમજ પંચાવન હજારની કિંમતના ત્રણ ગ્રામ સોનાની ચીજવસ્તુ પણ ચોરાઈ ગઈ હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતુ કે કે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું ત્યારે ટ્રેઝરી ગાર્ડ ત્યાં હાજર નહોતો. આ અંગે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાર્ડ જે સમયે ન હતો તે સમયે જ ચોરી કરવામાં આવી છે, વળી તાળા કટર વડે કાપી લઇ ગયા હોવાનું પણ પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, ઘણી બધી પેટીઓ હોવા છતાં જેમાં નાણા અને દાગીના હતા માત્ર તે 2 પેટીઓને જ તોડવામાં આવી છે, જેના પરથી કોઈ જાણભેદુએ આ ઘટનાને અંજામ આપ્યો છે અથવા તો ચોરી માટેની ટીપ આપી હોવાની શંકાઓ ઉત્પન્ન થઇ છે. અંજાર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...