ઉજવણીમાં બાધા:આખી રાત ફાયર ટેન્કર દોડતું રહ્યું : દિવાળીની રાત્રે 9 જગ્યાએ આગ લાગી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ - Divya Bhaskar
ગાંધીધામ
  • ગાંધીધામ આદિપુરમાં ઝાડી-ઝાંખરાઓ અને જ્યાં ત્યાં પડેલા ગાર્બેજમાં આગ લાગવાની મહત્તમ ઘટનાઓ
  • રામલીલા મેદાનની​​​​​​​ ડમ્પીંગ સાઈટમાં સવાર સુધી ઉઠતી રહી લપટો, હિટાચી મશીન થયું આગના હવાલે : સદભાગ્યે કોઇને ઇજા નહીં

દિવાળીની રાતના 9:30 થી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી એક બાદ એક ફાયર કોલ આવતા રહેતા ફાયરબ્રીગેડના જવાનો રાત ભર એક થી બીજા સ્થળે દોડતા રહ્યા હતા. કુલ 9 સ્થળોએ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. સદભાગ્યે અત્યાર સુધી તેમાં કોઇના દાઝવાનું બહાર આવવા પામ્યું નથી, પરંતુ નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો.

રામલીલા મેદાન
રામલીલા મેદાન

ગાંધીધામના રામલીલા મેદાનમાં આવેલી પાલિકાની ડમ્પીંગ સાઈટ પર મોડી રાત્રે આગની જ્વાળાઓ નિકળવા લાગી હતી. જેણે જોત જોતામાં મોટુ સ્વરુપ ધારણ કર્યું હતું અને અંદર રહેલા હિટાચી મશીનને આગને હવાલે થઈ ગયું હતું. સ્થળ પર ઉપસ્થિત એજન્સીના વાહનથીજ તેના પર અંકુશ લાવવાનો પ્રયાસ કરાયો હતો, તો પાલિકાના ફાયર ફાઈટરે પહોંચીને કુલીંગ પ્રક્રિયા બીજા દિવસના સવાર સુધી ચલાવી હતી. મહતમ આગની ઘટનાઓ ઝાડી ઝાંખરાઓમાં, કચરામાં કે ખુલ્લા પ્લોટ્સ પર લાગી હોવાનું સામે આવ્યું હતું. ગાંધીધામ પાલિકાની ફાયર ફાઈટીંગ ટીમના દીપક ગરવા, કેતન પરમાર, દીપક ધોરીયા, મનદીપસિંહ જાડેજા, હંસરાજ માતંગ જોડાયા હતા.

આ 9સ્થળોએ આગની ઘટનાઓ બની
ગાંધીધામમાં ગણેશનગરની ઝાડીઓમાં, ટ્રાન્સપોર્ટ નગરની ઝુપડામાં, હાજીપીર હોટલ સામે, ટીલવાણી હોસ્પિટલ સામે ભંગારના વાડામાં, જીઆઈડીસી - ઓસ્લો ઝુપડા પાસે કચરામાં, આદિપુરમાં જાહેરમાં પડેલા ગાર્બેજમાં, ડીસી 5ની ઝાડીઓમાં, ગાંધીધામ નગરપાલિકાના ટાઉનહોલની બાજુમાં આવેલી ડમ્પીંગ સાઈટ પર અને હોટલ અમ્યાયર સામે આવેલા ભંગારના વાડામાં આગ લાગવાની બીના બની હતી. આ સિવાય જનતા કોલોની, સોનલનગરમાં, સુંદરપુરી સહિતના સ્થળોએ નાની- મોટી આગની ઘટનાઓ પણ બનવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...