અકસ્માત:બાઇક પરથી પડતા પુત્રની નજર સામે પિતાનું મોત

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર-મુન્દ્રા, ભીમાસર હાઇવે બન્યો અકસ્માત ઝોન
  • બિસ્માર બનેલા રસ્તાના ખાડા દુર્ઘટના માટે જવાબદાર

અંજારના ભીમાસર રોડ પર વેલસ્પન વિદ્યા મંદિર સામે ખાડાને કારણે બાઇક ચાલકે કાબુ ગુમાવતાં પાછળ 7 વર્ષીય પુત્ર સાથે સવાર પિતાનું પુત્રની નજર સામે મોત નિપજ્યું હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. અંજાર રહેતા અને વેલસ્પન કંપનીમાં નોકરી કરતા ભાવેશભાઇ શંકરાભાઇ પ્રજાપતિ તા.10/11 ના રોજ તેમના મિત્ર હરેન્દ્રસિંહ ઝાલા સાથે પોતાના 7 વર્ષીય પુત્ર નૈતિકને લઇ બાઇક પર કબરાઉ મોઘલધામ દર્શનાર્થે ગયા હતા.

ત્યાંથી પરત ફરતી વેળાએ તેઓ ભીમાસર રોડ પર આવેલા વેલસ્પન વિદ્યા મંદિર સામે પહોંચ્યા ત્યારે ખાડાને કારણે બાઇક ચલાવી રહેલા હરેન્દ્રસિંહ ઝાલાએ કાબુ ગુમાવતાં પાછળ સવાર ભાવેશભાઇ રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને અંજાર સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના પત્ની ગીતાબેને કરેલી વાતના આધારે મૃતકના અમદાવાદ રહેતા ભાઇ વિરેન્દ્રભાઇ શંકરાભાઇ પ્રજાપતિએ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...