મુશ્કેલી:ભંગાર સર્વિસ રોડથી દરરોજ સવાર-સાંજ ટ્રાફિકજામ, વાહન ચાલકોને પારાવાર હાલાકી

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્લો ઓવરબ્રિજના કામથી સર્વિસ રોડનો ઉપયોગ વધ્યો પણ તેની હાલત બદતર
  • ઠેર ઠેર ખાડાઓ અને માર્ગની ઉપર ઉપસી આવેલા ગટરોના ઢાંકણાથી વાહન ચલાવવા મુશ્કેલ

ગાંધીધામ- આદિપુરને જોડતો મહત્વપૂર્ણ માર્ગ એવા ટાગોર રોડના સર્વિસ માર્ગની હાલત ‘મધ્યમ વર્ગ’ જેવી છે. તંત્ર એક જગ્યાએ રોડને થિંગડા મારે તો બીજી બે-ત્રણ જગ્યાએ ખાડા-ટેકરા ઉભરી આવે છે. જોેકે, ગાંધીધામ-આદિપુર વચ્ચેના ટાગો માર્ગનો કેટલાય વર્ષોથી આખો સર્વિસ રોડ નવો બન્યો જ નથી. તેમાંય છેલ્લા કેટલાક સમયથી ઓસ્લો ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે સર્વિસ માર્ગનો ઉપયોગ વધ્યો છે. પણ ખખડધજ સર્વિસ રોડના કારણે રોજ સવાર અને સાંજે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ ઓસ્લો ઓવરબ્રિજના કારણે જૂનીકોર્ટ સર્કલથી સુંદરપુરી સુધીના સિંગલ લેન સર્વિસ રોડનો વાહન ચાલકો ઉપયોગ કરે છે. ઓવરબ્રિજનું કામ ચાલું ન્હોતું ત્યારે પણ સામાન્ય રીતે ટાગોર રોડ સિક્સલેન હોવા છતાં સવાર અને સાંજના સમયે ટ્રાફિકનું ભારણ રહેતું હતું. હાલ કામ ચાલું હોવાથી સિંગલપટ્ટી રોડમાં જે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે તે અસહનિય છે. તેમાંય વળી, સર્વિસ રોડની અવદશા! ઠેર ઠેર ખાડાઓ અને માર્ગની ઉપર ઉપસી આવેલા ગટરોના ઢાંકણાથી વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.

ખખડધજ સર્વિસ રોડથી નાના-મોટા અકસ્માતો પણ વધ્યા છે. તંત્રએ તાત્કાલિક ધોરણે ડીપીટી કાર્યાલાયથી કરી રોટરી સર્કલ સુધી ટનાટન સર્વિસ રોડ બનાવવાની જરૂર છે. વચ્ચે થોડા સમય પહેલા અમુક જગ્યાએ નવો સર્વિસ રોડ બનાવ્યો છે પરંતુ તેમાં પણ લેવલીંગ જોઇએ તેવું કર્યું નથી. ત્યાંથી તુટી ગયેલો રોડ રોડ કામ પણ નબળું થયું હોવાની ચાડી ખાઇ રહ્યા છે.

ચુક થઇ તો વાહન સીધું વરસાદી નાળામાં પડે!
સર્વિસ રોડની બાજુમાં જ વરસાદી નાળાઓ આવેલા છે. જો વાહન ચાલક દ્વારા થોડીક પણ ચુક થઇ તો વાહન સીધું જ વરસાદી નાળામાં ખાબકે તેવી સ્થિતિ છે. તંત્રએ સર્વિસ રોડની બાજુમાં જે વરસાદી નાળા બનાવ્યા છે, અત્યારે તેની બાઉન્ડ્રી એકાદ ફુટ જેટલી છે. જે વધારીને એક મીટરથી વધુ કરવી જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ મોટો અકસ્માત ન સર્જાય.

અન્ય સમાચારો પણ છે...