આદિપુર અને મેઘપર બોરીચી ભલે ઓન રેકર્ડ અલગ તાલુકાઓમાં હોય પણ એકજ વિસ્તાર બની ગયા હોવા જેવો તાલ છે. આ પરિસ્થિતિમાં વચ્ચે નડતા રેલવે ક્રોસીંગથી રોજ હજારો લોકો પરેશાનીનો સામનો કરે છે. અહી અંડરબ્રીજ બનાવવાના પ્રોજેક્ટનુ 3 મહિના અગાઉ પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. પરંતુ હજી સુધી કાર્ય શરૂ ન થતા અકળાયેલા લોકોમાં નારાજગી અને રોષણી લાગણી પ્રવર્તી રહી છે.
લીલાશાહ કુટીયા રેલવે ક્રોસીંગ એટલે કે આદિપુર અને મેઘપર બોરીચી વચ્ચેના રેલવે ક્રોસીંગમાં રોજ 20 હજારથી વધુ લોકો અપડાઉન કરે છે. દર્દીઓથી લઈને નોકરીયાતો, સ્કુલના છાત્રો, મહિલાઓ પોતાના નિશ્ચીત સમયથી ઘણા મોડા પડે છે ત્યારે સ્થાનિકોમાં લાંબા સમયથી અહી અંડરબ્રીજ બનાવવા માટેની માંગ અને તેનું કામ મોડે મોડે અને ધીરે ધીરે થવા અંગે રોષ હતો.
ત્રણ મહિના અગાઉ જ્યારે એક હાર્ટ એટેકના દર્દીને એક બાદ એક પસાર થતી ટ્રેનથી જલદી જવા માટેનું સ્થાન ન મળ્યાની ઘટના સામે આવી ત્યારે ઉઠેલા રોષ બાદ ઓગષ્ટ મહિનાના અંતે પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન થયેલા ઘણા પ્રોજેક્ટમાંથી એક આદિપુર મેઘપર બોરીચી વચ્ચેના અંડરબ્રીજ યોજનાનો પણ સમાવેશ કરીને તેનું ખાતમુહુર્ત કરાયું હતું.
પરંતુ ઉદઘાટન હવે ઓલમોસ્ટ ત્રણ મહિનાના વાયરા વાયા છતાં તેનું કામ શરૂ ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. અહીના જાગૃત રહેવાસી મૃગેશ વૈષ્ણવ દ્વારા કરાયેલી આરટીઆઈ થકી બહાર આવ્યું હતું કે રેલવે બોર્ડની મંજુરી ન મળી હોવાથી આ કામ હજુ શરૂ થયું નથી. સ્થાનિકોનું કહેવું છે કે જો ખરેખર તમામ પ્રક્રિયાઓ પુર્ણ ન થઈ હોય તો તેનું ખાતમુહુર્ત કરવા લાયક પ્રોજેક્ટ ગણીજ કેમ શકાય? આ તપાસનો વિષય બની રહે છે.
બોર્ડ પરવાનગી આવી ગઈ, મહિનામાં કામ શરૂ થઈ જશેઃ સરપંચ
મેઘપર બોરીચીના સરપંચ ભોજુભાઈ બોરીચાને આ અંગે પુછતા તેમણે કહ્યુ કે રેલવે બોર્ડની પરવાનગી હવે આવી ગઈ છે, એક મહિના બાદ આ અંડરબ્રીજનું કાર્ય શરૂ થઈ જશે. તો પોલીસ કચેરી અંગે પણ પ્રતિક્રીયા આપતા તેમણે જણાવ્યું કે વર્તમાન આરએન્ડબીની કચેરી કે જે આરટીઓ ઉપયોગ કરતું હતું, તેની નવી કચેરી અંજારમાં બનતા ખાલી થશે, જે પોલીસ વિભાગને અપાતા મહેકમની ફાળવણી બાદ મેઘપર બોરીચીને પોલીસ સ્ટેશન પણ મળી શકસે.
બે તાલુકા વચ્ચે ફસડાતું મેઘપર, પોલીસ સ્ટેશન માટે જોવાતી રાહ
મેઘપર બોરીચી એરીયાની ભૌગોલીક પરિસ્થિતિ એવી છે કે તેમાં રહેતા મહતમ લોકો ગાંધીધામ આદિપુરમાં નોકરી ધંધો કરે છે, પરંતુ જમીન અંજાર તાલુકામાં આવે છે. જેથી બે તાલુકા વચ્ચે ફસડાતા મેઘપર બોરીચી વિસ્તારમાં રોડ, રસ્તા, ડ્રેનેજ લાઈન, સાફ સફાઈ અને પોલીસ મથક જેવા ઘણા પ્રશ્નો લટકેલા છે.
સ્થાનિકોએ અંડરબ્રીજ બાદ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અહી અગાઉથી મંજુર થયેલું પોલીસ મથક ખુબ મહત્વનો મુદો હોવાનું જણાવ્યું હતું. અહી પોલીસ મથક મંજુર થઈ ચુક્યુ છે, તેને જમીન પણ ફાળવાઈ ચુકી છે ત્યારે હવે મહેકમની ફાળવણી અને તેનું કાર્યાન્વીત થવું જરૂરી હોવું જરૂરી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.