આ વર્ષે ચોમાસુ સારુ તેમજ સમયસર રહેવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે. ત્યારે ગાંધીધામમાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ છે. દર વર્ષની જેમ તંત્ર ચોમાસામાં ઊંઘતું ઝડપાયું છે. જેમાં શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકોને હાલાકી
આ અંગે દિવ્યભાસ્કરની ટીમે નગરપાલિકા પ્રમુખ ઇસીતા ટીલવાણીનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વરસાદ ચાલુ હોવાથી અને ઓસ્લો સર્કલ પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ઋતુનો સૌથી ઓછો વરસાદ ગાંધીધામમાં પડ્યો છે. લાખોના ખર્ચે બનાવેલા ટાગોર રોડ પરના સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા છે. લોકોની ગાડીઓ ખાડામાં ફસાઈ જાય છે.
લાખો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ સર્વિસ રોડની હાલત બદ્તર
નોંધવું રહ્યું કે દર વર્ષે ચોમાસા અગાઉ ગાંધીધામ સંકુલના મુખ્ય નાળાં સાફ કરવા માટે લાખો રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને આ નાળાઓની સફાઈ કામગીરી કેવી થાય છે તે બાબતે લોકો હવે અજાણ રહ્યા નથી. ગયા વર્ષે જ આ નાળાઓનું મરામત કાર્ય કરવા અને સર્વિસ રોડ પાછળ લોકોના ટેક્સના લાખો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ દર વર્ષે સર્વિસ રોડની હાલત બદ્તર હોય છે. નગરપાલિકા શહેરની સફાઇ કરવા માટે દર મહિને લાખો રૂપિયા ખાનગી એજેન્સીને ચૂકવે છે. તો આ વરસાદી નાળામાં કચરો ક્યાંથી આવે છે? દર વર્ષે સર્વિસ રોડની હાલત આમ કેમ હોય છે? નગર પાલિકા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે પ્રજાના પૈસાનો ધુમાડો કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યાની રાવ અવાર નવાર સાંભળવા મળી રહી છે. ત્યારે નગર પાલિકા જે કંઈ કામગીરી હાથ ધરે તેમાં થર્ડ પાર્ટી ઇન્સપેક્શન નીચે જ કામ કરે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.