પૂર્વ કચ્છમાં અવાર નવાર થતી અનાજ અને ખાદ્ય તેલની ચોરીને અંજામ આપતી ગેંગના છ ઇસમોને એલસીબીએ રૂ.66 હજારના ખાદ્ય તેલ સાથે પકડી કિડાણાના ગોવિંદ ગોદામમાંથી થયેલી ચોખા ચોરીનો ભેદ પણ ઉકેલી લીધો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરેલા રૂ.1.32 લાખના ચોખાનો જથ્થો રીકવર કરાયો હતો.
એલસીબી પીઆઇ એમ.એન. રાણાએ જણાવ્યું હતું કે , ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન નાની ચીરઇ પાસેના વાડામાં બાતમીના આધારે દરોડો પાડી રૂ.66,220 ની કિંમતના 430 લીટર ખાદ્ય તેલના જથ્થા સાથે ભચાઉના ચીરાગ માધવજી ગોહિલ, નાની ચીરઇના અલીમામદ કાસમભાઇ ભટ્ટી, હાજી ભચુભાઇ નાગડા, અનવર જાનમામદ ભટ્ટી, જુણસ ઉર્ફે રોમન હકીમ પરિટ અને મુબારક ભચુભાઇ નાગડાને પકડ્યા બાદ પુછપરછમાં તેમણે તા.4/5 થી તા.12/5 દરમિયાન કિડાણા ખાતે આવેલા ગોવિંદ ગોદામમાં ટ્રુ બ્લુ શિપિંગ કંપનીએ રાખેલા ચોખાની ચોરી પણ કરી હોવાની કબૂલાત આપતાં તેમના કબજામાંથી રૂ.1,32,356 ની કિંમતના ચોરાઉ ચોખાની 97 બોરીઓ રિકવર કરી ટેમ્પો વાહન, બોલેરો કેમ્પર, 3 મોબાઇલ અને રૂ.1,00,000 રોકડ સહિત કુલ રૂ. 7,13,576 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ગુનામાં હજી ભચાઉના ગોકુલધામનો ભરત ગોવિંદભાઇ ચાવડા, ગાંધીધામ કાર્ગો પીએસએલ ઝૂંપડામાં રહેતો વસીમખાન જમીરખાન શેખ, ખારીરોહરનો કાસમ ઇશાક સોતા અને મીઠીરોહરનો સલીમ નુરમામદ કોરેજા હજી ફરાર છે તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
ઘણા સમયથી આવી ચોરીને અંજામ આપતા આવા તત્વોમાં ફફડાટ
ગાંધીધામ સંકુલ અને આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી અનાજ અને ખાદ્ય તેલની ચોરીઓ મોટા પ્રમાણમાં બહાર આવી રહી હતી. હવે જ્યારે એલસીબીએ આવી ચોરીને અંજામ આપતી ગેંગને પકડી છે ત્યારે આવી ચોરી કરનાર તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૂત્રોનું માનીએ તો આ ચોરીનો રેલો મોટા માથા સુધી પહોંચે તેવી પણ શક્યતા નકારી ન શકાય, આગામી સમયમાં કડક કામગીરીને કારણે નવા ધડાકા થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.