સમસ્યા:ડીપીએના પ્લોટ બન્યા ડમ્પીંગ યાર્ડ, રોજ કોઇ કચરો નાખી આગ લગાવે છે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણથી કંટાળેલા સેક્ટર 5ના સ્થાનિકોનો ત્રીજી વાર એઓ બિલ્ડીંગમાં મોરચો
  • વેસ્ટ પ્લાસ્ટિકને આગ લગાવતા હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ

ગાંધીધામમાં ડીપીએના ખાલી પ્લોટ જાણે ડમ્પીંગ યાર્ડ બની ગયા હોય તેમ કચરો ઠાલવીને તેને આગ ચાંપી દેવાની ઘટનાઓ વધતી થઈ રહી છે, છેલ્લા ઘણા સમયથી આનાથી પરેશાન સેક્ટર 5ના રહેવાસીઓએ ત્રીજી વાર ડીપીએ કચેરીમા મોરચો લઈને ધસી ગયા હતા.

પહેલા ચેરમેન અને ડે. ચેરમેન અને ત્યારે મુખ્ય એન્જિનીયરને મળવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા બાદ ઉપસ્થિતો સમક્ષ પોતાની રજુઆત કરીને અગાઉ આ કાર્ય માટે જવાબદાર પોર્ટ અધિકારી ગોહિલ સમક્ષ રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમની બાહેંધરી છતાં કોઇ કામ થયું નહતું. સમસ્ત કચ્છી સતવારા સમાજ સેક્ટર 7ના નેજા હેઠળ આપેલી રજુઆત અનુસાર ડિપીએની જગ્યા પર લગાતાર વેસ્ટ પ્લાસ્ટીક અને કચરો નાખીને તેમાં આગ લગાડી દેવાની પ્રક્રિયા ચાલે છે. જેથી સેક્ટર 5 આખામાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં પાણી જેવી સમસ્યાઓ થઈ રહી છે.

આ અંગે લેખીતમાં ડીપીએ, નગરપાલિકા અને મામલતદારમાં રજુઆતો છતાં કોઇ પરિણામ આવ્યું નથી અને રોજેરોજ આ સમસ્યાઓ વધી રહી છે. સતત ત્રીજી વાર સ્થાનિકો પોર્ટ કચેરી ધસી આવ્યા હતા અને પોતાની આપવીતી કહી સંભળાવીને પોર્ટ ચેરમેન અને ડે. ચેરમેનને જાણીબુજીને મળવા ન દેવાતા હોવાની લાગણી પણ વ્યક્ત કરી રહી હતી.

આખરે ડીપીએ દ્વારા પ્લોટમાં 24 કલાક ડ્યુટી માટે 4 સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરાયા
વારંવારની ઉઠતી ફરિયાદો બાદ પોર્ટ પ્રશાસન દ્વારા મોડે મોડે જાગીને પ્લોટ પર ચોકીદારો રાખવાનો નિર્ણય કરાયો હતો. પ્રશાસને લોકરોષને જોતા 24 કલાક નિયમીત રુપે દરેક સમયે 2 સિક્યોરીટી ગાર્ડ હાજર રહે તેવો નિર્ણય કરીને તેને તૈનાત કર્યા હતા.

થોડા સમય માટે થતી વ્યવસ્થા કેટલી ચાલશે? કાયમી નિરાકણ જરૂરી
જ્યારે આ પ્રશ્ન ઉભો થાય છે કે થોડા થોડા સમયગાળા માટે પોર્ટ પ્રશાસન દ્વારા હંગામી વ્યવસ્થાઓ ઉભી કરી દેવાય છે, પરંતુ તે થોડા સમયમાં ફરી જુનું સ્વરુપ ધારણ કરતા સ્થાનિક રહેવાસીઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ખરેખર તો સિક્યોરીટી ગાર્ડ રાખવા જેવા નહિ પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે સ્તરના પ્રયાસો હાથ ધરાય તે જરૂરી હોવાનો સુર પ્રબુદ્ધ વર્ગમાંથી ઉઠવા પામ્યો છે.

એ તો ધુમાડા જેણે શ્વાસમાં લેવા પડે તેને ખબર પડે ! , દિવ્ય ભાસ્કરના અહેવાલની પડી અસર
દિવ્ય ભાસ્કર દ્વાર ગત મહિને જીઆઈડીસી વિસ્તારમાં ચાલતી આ પ્રવૃતિથી સ્થાનિકો કેટલા પરેશાન છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો. જેના પડઘા રુપે સમાહર્તાના પત્રના સંદર્ભે જીપીસીબી દ્વારા ડીપીએ અને કાસેઝને પત્ર લખીને જરૂરી પગલા લેવા જણાવ્યું હતું. તો પોર્ટ પ્રશાસ્ના દ્વારા પણ કાસેઝના ડીસીને પત્ર લખીને પોર્ટના ખાલી પ્લોટ પણ ન નાખવાનો પત્ર લખવામાં આવ્યો છે. પરંતુ આ તમામ પત્રાચ્ચારો વચ્ચે, જે સ્થાનિક વૃદ્ધો, બાળકો અને પરિવારોએ રોજ રાત પડે અને ધુમાડામાં શ્વાસ લેવો પડે છે, તેનો નિવેડો આવવો જરૂરી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

ગાર્બેજ અંગે કસ્ટમ- DRIની તપાસ પણ જરૂરી
સેક્ટર 5 પાસે ડીપીએના પ્લોટ પર રોજ કચરો ફેંકી દેવામાં આવે છે તે ઝોનમાંથી આવતો હોવાનો અને ભંગારના વાડાઓમાં ઠલવાયા બાદ તેમાંથી જરૂરી સામાન કાઢીને બાકીને આગ ચાંપી દેવાતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ખરેખર કચરો જેનો નિકાલ નિયમાનુસાર થવો જોઇએ તેમજ ઝોનમાંથી એક્સપોર્ટ સંદર્ભે ચાલતી વ્યાપક તપાસનો દોર ખરેખર તો આ કાર્ગો રાત્રેજ કેમ આવે છે અને કેનો છે તે માટે કસ્ટમ, ડીઆરઆઈની તપાસ માંગે છે.

અન્ય સમાચારો પણ છે...