ગણેશ ઉત્સવ:નવા નિયમોની બેરીકેટ્સરૂપી બાધાઓને પાર કરતા વિઘ્નહર્તા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી થતા વિસર્જનમાં આડખીલીરૂપ નિયમો ચેરમેનએ હટાવ્યા
  • કંડલામાં થઈ શકશે વિસર્જન

ઉત્સાહ અને ઉમંગ સાથે ગાંધીધામ આદિપુરમાં ઉજવાઈ રહેલા ગણેશ ઉત્સવમાં બાદ વર્ષોથી કંડલામાં વિસર્જન માટે ચાલતી પ્રક્રિયાઓમાં આ વર્ષે એક નોટિફીકેશનથી આવેલા બદલાવથી બાધાઓ ઉભી થઈ હતી. પરંતુ તે વિઘ્નોને પણ પાર કરીને વિઘ્નહર્તાનું વિસર્જન પરંપરા અનુસાર કરવામાં આવ્યું છે. ઘટનાક્રમ એવો બન્યો કે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ડે. કન્ઝર્વેટીવ દ્વારા કંડલાના સુરક્ષા પ્રહરી સીઆઈએસએફને પત્ર પાઠવીને ગત રોજ જાણ કરી કે ગણેશ પ્રતિમા વિસર્જનમાં સામાન્ય જનતાને પરવાનગી નહી અપાય, જે પાછળ પ્રદુષણનો તર્ક આગળ ધરાયો હતો.

તો પોર્ટ ઉપભોક્તાઓ જેમની પાસે પોતાનો ક્રાફ્ટ હોય, તેમને પોતાના જોખમ પર 5 લોકો સાથેજ પ્રવેશ અપાશે. જેના કારણે ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે પ્રતિમા વિસર્જન માટે આવી પહોંચેલા સેંકડો લોકોને પ્રવેશ માટે અટવાયા હતા. નગરજનોએ ચેરમેન ઓફિસ અને જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીનો સંપર્ક સાધી પરિસ્થિતિ અંગે જાણ કરી હતી. પોર્ટ અધ્યક્ષ એસ.કે. મહેતાએ સ્થાનિકોની આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખીને સબંધિત વિભાગોને સુચનાઓ આપીને સંકલન બેઠક યોજી હતી.

જેમાં સીઆઈએસએફ સાથે યોજાયેલી કોર્ડીનેશન બેઠકમાં વર્ષોથી થતી આ પ્રક્રિયાને તેના શુદ્ધરુપે રાખવા અને બર્થ નં. 15 અને 16 પર આવેલી કોરી ક્રીક પાસે સમુદ્રમાં વિસર્જિત કરવા હામી ભરાઈ હતી. તો તત્કાલિન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી સાંજે ફ્લોટીલા જેટી પર પણ હંગામી પરવાનગી અપાઈ હતી. સાંજથી રાત સુધી ચાલેલી આ પ્રક્રિયાઓની મારામારીના અંતે બેરીકેટ્સ રુપી બાધાઓને પાર કરતા વિઘ્નહર્તાનું વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...