ગાંધીધામ​​​​​​​ પાલિકામાં જુથબંધી સપાટી પર:સંકુલમાં રોડના કામોની મંજુરીમાં કેટલાક કામો બાકાત થતા વિખવાદ

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 કરોડના વિકાસ કામોમાં વ્હાલાદવલાની નીતિનો આક્ષેપ
  • લાંબી રાહ બાદ કરોડોના રોડના કામોને વહિવટી મંજુરી મળી પણ કેટલાક કામો કાઢી નાખ્યા અંગે એક જુથ પક્ષ પ્રમુખ પાસે દોડી ગયું

ગાંધીધામ નગરપાલિકામાં સતાપક્ષનો આંતરીક ખટરાગ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ દરેક પગલે જુથબંધી સપાટી પર આવી રહી છે. શહેરના માર્ગોના કામો માટે 5 કરોડ જેટલાના કામો જે લાંબા સમયથી વહીવટી મંજુરી માટે પેંડીંગ હતા, આખરે તેમને તે મંજુરી મળી ગઈ છે. પરંતુ તેમાં કેટલાક નિશ્ચીત વોર્ડના કામો બાકાત થયા હોવાના આક્ષેપ સાથે એક જુથમાંથી વિરોધનો સુર ઉભો થવા પામ્યો હતો. જેઓએ આ રાવ સાથે શહેરના પક્ષ પ્રમુખ પાસે દોડી ગયા હતા.

શહેરના દરેક વોર્ડમાં માર્ગો માટે 40 લાખ જેટલા માર્ગોના કાર્યોની ફાળવણી કરવામાં આવી હતી. જે માટે દરેક પ્રતિનીધીએ રજુ કરેલા પોતાના વિસ્તારના કાર્યોની લીસ્ટ વહિવટી મંજુરી માટે મોકલાઈ હતી. જે લાંબા સમયથી લંબીત હતા, મંજુરીની પ્રક્રિયામાં વિલંબ એટલો લંબાયો કે તેને લઈને પંણ વિવિધ કયાસોને સ્થાન મળ્યું હતું. દરમ્યાન ગત સપ્તાહે આ કાર્ગોને વહિવટી મંજુરી આપી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તેમાં કેટલાક કામો કાઢી નખાયા હોવાના આક્ષેપ સાથે કેટલાક સભ્યોએ બંડ પોકાર્યો હતો અને કોના ઈશારે આવું થયું છે તે અંગે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો.

પહેલાથી જુથવાદથી પીડીત ગાંધીધામ નગરપાલિકાનો સતાપક્ષનું આ પ્રકરણમાં નારાજ જુથ ગાંધીધામ ભાજપ પ્રમુખના દ્વારે પણ પહોંચીને પોતાનો રોષ ઠાલવ્યો હોવાનું જાણવા મળે છે. નારાજ સભ્યોના વર્ગએ જાણીબુઝીને કોઇના ઈશારે તેમના વિસ્તારના કામોને કાઢી નાખીને તેમનો અનાદર કર્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. વિધાનસભાની ચુંટણીઓ અને ચોમાસું બન્ને માથા પર છે ત્યારે આ વખતનો આંતર વિખવાદ કઈ દિશા પકડે છે તે જોવું રહ્યું.

યાદવાસ્થળી - પક્ષના આંતરવિગ્રહ પર કોઇનો અંકુશ આવતો દેખાતો નથી
વર્ષો સુધી ભાજપને સતાપક્ષમા ગાંધીધામના લોકોએ રાખ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલા આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિને અંકુશમાં લાવવા પક્ષ સ્તરેથી વિવિધ પ્રયાસો છતાં તેના પર કાબુ આવતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આ પક્ષના સ્થાનિક આગેવાન સહિતનાની જવાબદારી બનતી હોવાની પણ ચર્ચા છે ત્યારે જિલ્લા સ્તરે પણ અગાઉ આ અંગે થયેલા વાટાઘાટો કોઇ સમાધાન તરફ જતા હાલ પ્રતિત થઈ રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...