તેલ ચોર ગેંગનો આતંક:જવાહરનગર પાસે ટ્રકમાંથી 1.18 લાખનું ડિઝલ ચોરાયું , લોકોને જોઇ તસ્કરો કાર મૂકી ભાગ્યા

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલ આસપાસ હથિયારધારી તેલ ચોરોનો ત્રાસ વધી રહ્યો છે, ધંધાર્થીઓમાં રોષ
  • નંબર વગરની કારમાં આવેલા ચાર ઇસમો સામે ટ્રાન્સપોર્ટરે નોંધાવી ફરિયાદ

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં ફરી તેલ ચોર ગેંગનો આતંક શરૂ થયો છે.જેમાં હવે તો હથિયારો સાથે ત્રાટકતા આ ગેંગના સાગરિતો સંકુલના ધંધાર્થીઓ માટે રીતસરનો દુ:ખાવો બની ગયા છે, તેવામાં તા.8/12 ના મોડી રાત્રે 3 વાગ્યાથી પરોઢે 5 વાગ્યા દરમિયાન જવાહરનગર પુલિયા પાસે આવેલા પાર્કિંગમાં ત્રાટકેલી આ તલવાર ગેંગના ચાર ઇસમોએ 6 ટ્રકોમાંથી 1.18 લાખના ડિઝલની ચોરી કરી હતી પરંતુ લોકોને જોઇ તસ્કરો કાર મૂકી ભાગી ગયા હતા. ટ્રાન્સપોર્ટરે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પડાણા રહેતા 34 વર્ષીય ટ્રાન્સપોર્ટર મહેશભાઇ રામજીભાઇ હુંબલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જવાહરનગર પુલિયા પાસે અજમેરી હોટલ પાસે આવેલા જય માતાજી પાર્કિંગમાં તેમના ચાલકે તેમની માલિકની ટ્રક પાર્ક કરી હતી. તા.8/12 ના પરોઢે પાંચ વાગ્યે નેપાળી ચોકિદારે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, રાત કો ચાર લોગ આયે થે ઔર ટ્રક મેં સે ડિઝલ ચોરી કર કે ભાગ ગયે હૈ, આ જાણ થતાં તેઓ પાર્કિંગ પહોંચ્યા હતા. તેમની માલિકીની ટ્રકમાંથી 150 લીટર ડિઝલ ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું તે દિવસે તેમને મુરલીધર પાર્કિંગમાં રસકસની દુકાન ચલાવતા મહેશભાઇ નારાણભાઇ ઝરૂનો ફોન આવ્યો હતો અને તેમણે પણ જણાવ્યું હતું કે, મુરલીધર પાર્કિંગમાથી પણ છ ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરી ગયા છે.

આ જાણ થયા બાદ તેમણે નંબર વગરની સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા ચાર ઇસમોએ છ ટ્રકોમાંથી રૂ.1,18,680 ની કિંમતનું 1140 લીટર ડિઝલ ચોરી કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરવા આવેલા લોકો હથિયારો , પથ્થર થી સજ્જ થઈને કારમાં કેરબા સાથે આવ્યા હતા. છેલ્લા સમયથી આ પ્રવૃત્તિ વધી ગઈ છે.

પોલીસને રજૂઆત છતાં કોઈ પગલાં ન ભરાતા અંતે લોકોએ ચોકી રાખવાનું શરૂ કર્યું હતું. રાત્રે તસ્કરો ચોરી કરવા પહોંચ્યાની ની જાણ થતાં લોકો એકત્ર થયા હતા અને આ કાર પકડી પાડી છે. તસ્કરો નાસી ગયા હતા. પણ કાર ઝડપાઈ છે. જેમાંથી આ કાર ડીઝલ ચોરી કરવા આવી હોય તેવા તમામ સબૂત છે. પીએસઆઇ કે.જે. વાઢેરે વધુ તપાસ હાથ ધરી છે.

હવે ખુલ્લે આમ લૂંટ થાય છે: ટ્રાન્સપોર્ટરોનો રોષ
પહેલા આ તસ્કરો ટ્રક ચાલકોને ફોડી અથવા તો ચોરી છુપીથી ટ્રકની ટાંકીમાંથી તેલચોરી કરી જતા હતા પણ છેલ્લા થોડા દિવસોથી હથિયારો સાથે આવતા તસ્કરો ચાલકોને ડરાવી ધમકાવીને ચોરી સાથે રીતસર લુંટ ચલાવી રહયા છે. ગત 30 નવેમ્બરના તસ્કરોએ એક જણને લાકડીઓથી ફટકારીને લુંટ ચલાવી હતી. તો ત્યારબાદ ત્રીજા જ દિવસે પણ આ ગેંગ દ્વારા ડિઝલની લૂંટ કરાઇ હોવાની ફરિયાદ પણ નોંધાઇ હતી. કંડલા મહાબંદર ગાહ પરથી તેલ પરિવહન માટે નીકળતા વાહનોમાંથી તેલ ચોરી કરી અને પાઈપલાઈનમાં કાણું પાડીને તેલચોરી વર્ષોથી ખુલ્લેઆમ થાય છે. કયાંક કયાંક પોલીસની કાર્યવાહી થતી હોય છે. પણ તેલચોરી સામે પોલીસની કામગીરી વામણી પુરવાર થઈ રહી હોય તેમ હવે તેલચોરો સરેઆમ લૂંટ કરતા થયા છે.

બે માસ પહેલાં તો પોલીસે પીછો કરી એક આરોપીને પકડ્યો હતો
અંદાજે બે માસ પહેલાં હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ડિઝલ ચોરી કરીને સફેદ સ્વિફ્ટ કાર નીકળી છે તેવી જાણકારી મળ્યા બાદ પોલીસે આ ડિઝલ ચોરોનો રાજવી ફાટક સુધી પીછો કર્યો હતો જેમાં ફાટકમાં અટકેલી કારમાંથી એક ઇસમને તો પોલીસે પકડી પણ લીધો હતો ત્યારે સવાલ એ છે હવે ફરી આ ગેંગ સક્રીય કઇ રીતે થાય ?

અન્ય સમાચારો પણ છે...