ગાંધીધામમાં મહિનાઓ બાદ ફરી એક વાર કોરોનાએ દેખા દેતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ગુરુવારના ગાંધીધામમાં રહેતી યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો હતો, હળવા લક્ષણો દેખાતાજ તેણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવ્યું હતું. ગાંધીધામમાં કોરોના કેસ ઝિરો થયાને મહિનાઓ બાદ આરોગ્ય વિભાગના ચોપડે એક કેસ ફરી નોંધાયો હતો. છેલ્લા એકાદ મહિનાથી નગરજનોમાં શરદી, ખાંસી, ઉધરસ, તાવ, ગળામાં સમસ્યા જેવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તજજ્ઞોએ વાઈરલ ઈન્ફ્લુએન્ઝાની અસર આ વખતે વધુ હોવાનું જણાવી રહ્યા છે, અને મહતમ કેસો શંકાસ્પદ રુપે ઈન્ફ્લુએન્ઝાનાજ હોવાનું મનાઈ રહ્યું છે.
જોકે, તે માટેની તપાસ કરવામાં ન આવતી હોવાથી તેને શંકાસ્પદજ મનાઈ રહ્યા છે અને મહતમ રુપે લક્ષણ આધારીત ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. બીજી તરફ કોરોના કેસો ઘટ્યા બાદ લોકોમાં તેની રસી લેવા કે ટેસ્ટ માટે નીરસતા આવી ગઈ હતી. જેથી હાલમાં સરકારી રાહે સરેરાશ રોજના 50 જેટલા તો એટલાજ ખાનગી રાહે પણ થઈ રહ્યા છે. જેમાંથી હવે જઈને એક કોરોના કેસ પોઝિટિવ આવતા સહુએ સતર્ક રહેવાની આવશ્યક હોવાનો સુર ઉઠવા પામ્યો છે. હાલ જિલ્લાભર સહિત ગાંધીધામમાં પણ કોવિશીલ્ડની વેક્સિન ઉપલબ્ધજ નથી. તો માત્ર ઉપલબ્ધ કોવેક્સિનની માત્રા પણ લીમીટેડ છે.
બીજી તરફ નગરજનોમાં પણ વેક્સિન લેવામાં નિરસતા આવી હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. હાલ તો ઘરોઘર વાઈરલ ફીવરના કેસો વધી ગયા છે, જેમાંય ખાસ કરીને ગળામાં અસર થઈ હોય તેવા કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.