બેદરકારી:બદથી બદતર થતી ST બસ સ્ટેશનની હાલત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોંગ સાઈડે બનેલા ખસ્તાહાલ સ્ટેશનના નવનિર્માણના ભૂમિપુજનને વર્ષો બાદ પણ કામનું મૂહુર્ત ન નિકળ્યું
  • ​​​​​​​બસો નિર્ધારીત સમય કરતા કલાકો મોડી આવતા બુકીંગ કરનારા પરેશાન, ટ્રેકીંગ અને ટીવી પણ બંધ

ગાંધીધામ એસટી બસ સ્ટેશનના નવનિર્માણને ખાતમુહુર્ત કર્યાને વર્ષો થઈ ગયા બાદ પણ હજી તે કામ શરૂ કરવાનું કોઇ મુહુર્ત નિકળ્યું નથી. તો બીજી તરફ બસ સેવાની સ્થિતિ પણ કથળી રહી હોય તેમ સમય સારણીથી કલાકો મોડી બસ ચાલતા પ્રવાસીઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધીધામમાં એસટી બસ સ્ટેશન વર્ષો જુનુ અને ખસ્તાહાલ થયું છે. વાવાઝોડા, ભુકંપ કેવી ત્રાસદીઓનો સામનો કરી ચુકેલા આ સ્ટેશનમાં તુટેલા પોપડા અને તીરાડો જોઇ શકાય છે. અંદર આવેલા શૌચાલય વર્ષોથી કામ કરતા બંધ થઈ ગયા છે. જેની આડે દરવાજાઓ રાખીને એંટ્રી બંધ કરી દેવાઈ છે, પરંતુ તેમાંથી લીક થતું ગંદુ પાણી ન માત્ર પ્લેટફોર્મ બગાડે છે પણ ગંદકી, દુર્ગધ સાથે મચ્છરોનું આશ્રય સ્થાન પણ બની રહ્યું છે. પરવાનગી ન હોવા છતાં ખાનગી વાહનો બસ સ્ટેશન અંદર પણ જોવા મળે છે. નાગરિક અરવિંદ સોલંકીએ પોતાનો અનુભવ જણાવ્યો કે ભુજ ગોંડલ બસનો ઉપયોગ તેવો બે વર્ષથી કરી રહ્યા છે.

ઓનલાઈન બુકિંગ બાદ નિર્ધારીત સમય કરતા તે બે થી ત્રણ કલાક જેટલી મોડી આવે છે. એસટી ટ્રેકીંગ પણ બંધ છે, જેથી જોઇ શકાય કે બસ ક્યાં પહોંચી, તો ટીવી પણ બંધ પડ્યા છે. આટલા મહત્વપુર્ણ અને મોટા સેન્ટરમાં લોકોને થતી અગવડો અંગે નેતાઓ પણ અંગત રસ લેતા હોય તેવું પ્રતિત થતું નથી.

કંડલા પોર્ટ દર વર્ષની લીઝના 30 લાખ માંગે છે, જુનાની બાજુમાં નવુ સ્ટેશન બનાવીશુઃ ST
એસટી વિભાગના એન્જિનિયરીંગ વિભાગના વડાએ જણાવ્યું કે ગાંધીધામમાં જમીન નો પ્રશ્ન મોટો છે. તમામ જમીન પોર્ટ પાસે છે, જેની પાસેથી એક રુપીયાના ટોકન ભાવે મળેલી જમીનને 30 વર્ષ પુર્ણ થઈ ગયા છે, હવે રીન્યુ કરવામાં તેવો દર વર્ષે લીઝ પેટે 30 લાખ રુપીયા માંગી રહ્યા છે. જે શક્ય ન હોવાથી સ્ટેશનની જમીન પ્રાપ્ત કરી શકાતી નથી. હાલમાં રહેલું બસ સ્ટેશન ખુબ જર્જરીત થઈ ગયું હોવાથી તેની બાજુમાંજ નવું બનાવી દેવાશે, જે માટેનું ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા કરાઈ રહી છે.

ખાનગી લક્ઝરીઓ, વાહનોને બખ્ખા
ગાંધીધામમાં મોટા પ્રમાણમાં રોજગારીની શોધમાં લોકો આવે છે ત્યારે ગાંધીધામ ભુજ હોય, ગાંધીધામથી રાજકોટ હોય કે રાધનપુર અને અમદાવાદ. તમામ સ્થળે રોજ આવન જાવનનું પ્રમાણ ખુબ વધુ રહે છે. આ રુટો પર મુસાફરોના ભારે ધસારા બાદ પણ તેની આવશ્યકતાને પહોંચી શકાય અને સરકારને આવક થાય તે માટે માંગ અનુસારની સવારીઓ શરૂ કરાઈ નથી રહી. જેથી ન છુટકે લોકોએ મોંઘા ભાડા આપીને કેટલીક વાર ભારે ભીડભાડ વાળી અસુરક્ષીત ખાનગી સવારી લેવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...