પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ગઇકાલે લાકડીયા પાસેથી રૂ.5.28 લાખની કિંમતના 7,750 મેટ્રિક ટન લોખંડના ચોરાઉ સળિયાના જથ્થા સાથે જંગીના શખ્સને પકડ્યા બાદ અંજારના મેઘપર બોરીચી રહેતા ટ્રાન્સપોર્ટરે 6 ટ્રક ચાલક અને પકડાયેલા ઇસમના ભાગિદાર સહિત 8 વિરૂધ્ધ લાકડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે સામખિયાળી મોરબી હાઇવે પર લાકડીયા પાસે આવેલી આશિર્વાદ હોટલ નજીક બનાવાયેલા વરંડામાંથી રૂ.5,28,500 ની કિંમતના 7,750 મેટ્રિક ટન લોખંડના સળિયાની 104 ભારી સાથે જંગીના રોહિત મગનભાઇ મસુરીયાને પકડી લીધો હતો. આ સળિયા હાઇવે પર જતી ટ્રકો રોકી ચાલકોને ફોડી ચોરી કરાઇ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું.
આ બનાવમાં અંજારના મેઘપર બોરીચી રહેતા રાજવી લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક ઇન્દ્રજીતસિંહ દિવ્યરાજસિંહ ઝાલાએ એલસીબી પીઆઇની રૂબરૂમાં પકડાયેલા રોહિત મસુરીયા ઉપરાંત તેના ભાગીદાર જીગર મહેન્દ્રભાઇ નાણાવટી, રાજસ્થાનના ટ્રક ચાલક બાબુલાલ ટીલારામ, સામખિયાળીના રાજ ટ્રાન્સપોર્ટના ટ્રક ચાલકભરતભાઇ નાયી, વસુકી ટ્રાન્સપોર્ટના ચાલક ચુનારામ, શ્રીજી ટ્રાન્સપોર્ટના રેખારામ, કિશનદાન અને સોમાભાઇ સહિત છ ચાલકો અને બે ભાગીદાર મળી કુલ 8 વિરૂધ્ધ લાકડિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
જો કોઇ ટ્રાન્સપોર્ટરો ભોગ બન્યા હોય તો લાકડિયા પોલીસ મથકનો સંપર્ક કરવો
જો અન્ય કોઇ ટ્રાન્સપોર્ટરોને પોતાના વાહનમાંથી આ પ્રકારની ચોરી થઇ હોવાનું માલૂમ થાય તો લાકડિયા પોલીસ મથકનો સંપર્ક કરવો તેમ એલસીબી પીઆઇ રાણાએ અપીલ કરતાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.