નવીનીકરણ:સામખિયાળી-પાલનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગના તબક્કાવાર રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છને રાજસ્થાન, ઉત્તર ભારત સાથે જોડતા આ મહત્વના (ભંગાર) માર્ગના નવીનીકરણથી ટ્રાન્સપોર્ટ તથા વ્યાપાર-ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ખુશી
  • સાંતલપુરથી ભીલડી સુધીના માર્ગનું કાર્ય 15 દિવસથી ચાલેે છે અને 15 દિવસમાં 113 કી.મી લંબાઈના આ રોડનું ઘણુંખરું કામ પૂર્ણ કરી દેવાશે

સમગ્ર ઉત્તર ભારત અને રાજસ્થાનને કચ્છ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ - 27ની અત્યંત ખરાબ હાલતને અનુલક્ષીને ગાંધીધામ ચેમ્બર પાસે વિવિધ ટ્રાન્સપોર્ટ સંઘો, વ્યાપાર-ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક સંગઠનોએ કરેલી ફરિયાદોના અનુસંધાને, લગભગ છેલ્લા એક વર્ષથી નેશનલ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર સમક્ષ સતત રજૂઆત કર્યા બાદ અંતે ટ્રાન્સપોર્ટ અને વ્યાપાર-ઉદ્યોગ માટે ધોરી નસ ગણાતા સામખિયાળી- પાલનપુરની રીસરફેસિંગ કામગીરી આરંભાઈ ગયા હોવાના સંકેત મળી રહ્યા છે.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરી માર્ગના ચીફ જનરલ મેનેજર તરફથી લેખિતમાં પાઠવવામાં આવેલી જાણકારી અનુસાર આ મુખ્ય ધોરી માર્ગના અલગ-અલગ મથકોના અંતરની લંબાઈ પ્રમાણે તબક્કાવાર રીસરફેસિંગ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જે પૈકી, સામખ્યાળીથી સાંતલપુર સુધીના 91 કી.મી.ના માર્ગનું રીસરફેસિંગ કામ 15 સપ્ટેમ્બરથી સમગ્ર લંબાઈ માટે શરુ કરવામાં આવશે. જે પૂર્ણ કરવામાં 3 થી 4 મહિનાનો સમયગાળો લાગશે.

એ સિવાય સાંતલપુરથી ભીલડી સુધીના માર્ગનું કાર્ય છેલ્લા 15 દિવસથી આરંભાઈ ચુક્યું છે અને 15 દિવસમાં 113 કી.મી લંબાઈના આ રોડનું ઘણુંખરું કાર્ય કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત પાલનપુરથી ભીલડીને સાંકળતો 52 કી.મીનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં પણ નાનું-મોટું મરમ્મતનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા થઇ રહ્યું છે. આ માટે ના કોન્ટ્રાક્ટ પણ અપાઈ ચુકેલ હોઈ આગામી સમય માં સમગ્ર 256 કી.મી.નું રાષ્ટ્રીય ધોરી માર્ગનું રીસરફેસિંગ કાર્ય સંપન્ન થયે ટ્રાન્સપોર્ટ તથા વ્યાપાર-ઉદ્યોગ પૂર્વવત થઇ શકશે. આમ તમામ પ્રશ્નો ઉકેલાઈ જવાની ખાતરી ગાંધીધામ ચેમ્બરને રાષ્ટ્રીય ધોરી માર્ગ ના ચીફ જનરલ મેનેજર તરફથી પાઠવવામાં આવી છે.

ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીના જણાવ્યા અનુસાર જયારે કચ્છનો આ અતિ મહત્વનો અને સંવેદનશીલ ગણાતો રાષ્ટ્રીય ધોરી માર્ગ કંડલા અને મુન્દ્રા જેવા બે મહાબંદરોને જોડતો હોઈ, તેમજ ઓઈલ, ટીમ્બર, નમક, સિમેન્ટ, સ્ટીલ,કૃષિ, ફર્ટીલાઈઝર જેવા અનેક માલનું પરિવહન આ માર્ગ દ્વારા થતું હોઈ, કચ્છ જીલ્લામાં આવેલા વિવિધ મીલીટરી મથકો પણ આ માર્ગનો મહત્તમ ઉપયોગ કરતા હોઈ, સરહદી એવા કચ્છ જિલ્લાનું મહત્વ દરેક તબક્કે વધી જાય છે. તેવા સંજોગોમાં એક તબક્કે વિવિધ ટ્રાન્સપોર્ટ અને ટ્રેડ સંગઠનો આખરીનામું આપી આંદોલનનો માર્ગ લેવા વિચારી રહ્યા હતા, જેમને ગાંધીધામ ચેમ્બર મારફતે થયેલ મુદ્દાસર રજૂઆતને સફળતા મળતા આ કાર્યક્રમ મુલતવી રાખી સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરેલ હતી.

પાલનપુર અને માળિયા-મોરબી રાષ્ટ્રીય ધોરી માર્ગ 4માંથી 8 લેનમાં પરિવર્તિત કરવા માંગ ફરી દોહરાવાશે
ભારતનો આ સહુથી વિશાળ જિલ્લો દેશ-વિદેશના ઉદ્યોગ કારોબાર અને પરિવહનને કારણે રેવન્યુ અપાવવામાં પણ અગ્રેસર રહ્યો છે. ત્યારે પાલનપુર અને માળિયા-મોરબી સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગને રીસર્ફેસિંગ કરવાની સાથેસાથે ચાર લેનમાંથી આઠ લેનમાં પરિવર્તિત કરવાની માંગ ચેમ્બર દ્વારા અગાઉ માર્ગ પરિવહન મંત્રાલયને કરવામાં આવી હતી, જેને ફરીથી દોહરાવવામાં આવશે. તથા સુરજબારી પુલથી સમાંતર નવો એક પુલ બનાવવાની રજૂઆત કરવામાં આવશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથોસાથ સમયનો બચાવ અને અકસ્માતનું પ્રમાણ પણ ઘટશે. તો પરિવહન વધવા થી રાજ્ય અને દેશની મહેસુલમાં વધારો થશે અને દેશના વિકાસની ગતિને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...