ગળપાદર હાઇવે પર 9 દિવસ પહેલાં ઉભેલા ટેન્કરમાં ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં ટ્રેઇલરની કેબિનમાં સૂતેલા ક્લીનરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાની ઘટના સમયે જ ગાંધીધામ, આદિપુર અને અંજાર પંથકમાં ગેસની દૂર્ગંધ આ અકસ્માતને કારણે ફેલાઇ હોવાની ચર્ચા ઉઠી હતી પરંતુ કોઇપણ કારણોસર આ ઘટનાની સાચી વિગતો કોઇપણ તંત્ર પાસે ન હોવાના જવાબ મળ્યા હતા આખરે 9 દિવસ બાદ આ જીવલેણ અકસ્માત પોલીસ ચોપડે નોંધાયો હતો.
મુળ બનાસકાંઠાના હાલે ગળપાદર રહેતા અને એસીટી લોજિસ્ટિકમાં ટ્રક ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 520 વર્ષીય બાબુભાઇ ગોવિંદભાઇ શિલવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.4/11 ના રાત્રે 9 વાગ્યે તેઓ ક્લીનર લક્ષ્મણરાય યાદવ સાથે ચાઇના ક્લે ભરીને નિકળ્યા બાદ પરોઢે 4 વાગ્યે ગળપાદર હાઇવે પર મેઘપર બોરીચી નજીક આગળ કોઇપણ આડશ રાખ્યા વગર ઉભેલા ટેન્કરમાં તેમનું કન્ટેનર ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં કેબિનનો ડૂચો વળી ગયો હતો જેમાં કેબિનમાં સૂતેલો લક્ષ્મણરાય દબાઇ જતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ તેમને પણ સામાન્ય ઇજા પહોંચી હોઇ સારવાર બાદ ઘરે ચાલ્યો ગયો હોવાને કારણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ જે દિવસે આ અકસ્માત બન્યો તે દિવસે વાયરલ થયેલા ફોટામાં ટેન્કરની ટેન્ક તૂટી જતાં તેમાંથી કંઇક લીકેજ થતું હોવાનું દેખાયું હતું. આ પરોઢે બનેલી ઘટના બાદ તરત જ ગાંધીધામ, આદિપુર અને અંજાર પંથકમાં ગેસની તીવ્ર દૂર્ગંધ ફેલાતાં લોકો સફાળા જાગી ગયા હતા અને જે જગ્યાએ આ અકસ્માત સર્જાયો હતો ત્યાં ધૂમાડા પણ દેખાયા હતા પણ કોઇ પણ તંત્રએ આ બાબતે મગનું નામ મરી પાડ્યું ન હતું અને હવે આ જીવલેણ અકસ્માતની ઘટના 9 દિવસે અંજાર પોલીસના ચોપડે ચડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.