મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત:ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજા કાનગડે CMને લેખિત રજૂઆત કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની ‘અ’ વર્ગની 18 નગરપાલિકાઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી ગાંધીધામ નગરપાલિકા ગણાય છે. ત્યારે તેને અડીને આવેલા બે મહાબંદરો કંડલા અને મુન્દ્રાને કારણે આયાત-નિકાસના 40 ટકા દરિયાઇ કાર્ગોની હેરફેર ધરાવતું, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝનની મોટા ભાગની માલ-પરિવહનની પૂર્તતા કરતું, નમક, ટીમ્બર, ઓઇલ તેમજ અનેકવિધ ઔદ્યોગિક પ્રકોના સહારે ક્ચ્છ અને ગુજરાતનું આર્થિક તથા ઔદ્યોગિક કેન્દ્ર ગણાતું તેમજ ભારત ભરમાંથી પ્રગતિની તક શોધતા લોકો ગાંધીધામ આવી વસ્યા છે. ત્યારે તેને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ગાંધીધામ ચેમ્બર દ્વારા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને પ્રયાસ આદરાયો છે.

ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા અનુસાર બંદરીય વિસ્તાર ધરાવતા આ સંકુલમાં વસ્તી ગણતરી ધ્યાને લેવાઇ નથી. એ અહિંની કમનસીબી છે, પરંતુ અંદાજે પાંચ લાખથી ઉપરની વસ્તી અને આજુબાજુના વિસ્તારમાંથી રોજના અંદાજે એકાદ લાખ લોકોની અવર-જવરને કારણે ટ્રાફિક, ગીચતા, સફાઇ, આરોગ્ય તેમજ ડ્રેનેજ, પાણી, વીજળી અને નિયમિત રખ-રખાવ જેવા અનેક પ્રશ્નો ઉદ્દભવતા હોઇ સુદઢ વહીવટી શાસનની જરૂરિયાત છે. જે ફક્ત મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયે જ મળી શકે તેમ છે. વિશાળ ક્ષેત્રફળ ધરાવતા જિલ્લાનો સુચારૂ રૂપે વહીવટ થઇ શક્તો નથી. તેમજ એસ.આર.સી., ડીપીએ, જીડીએ, નગરપાલિકા તેમજ અન્ય સંલગ્ન ક્ચેરીઓ વચ્ચે સંકુલની પ્રજાને તક્લીફો ભોગવવી પડે છે.

આ અંગે વધુ માહિતી આપતાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણી જણાવે છે કે, આદિપુર-ગાંધીધામ, જોડિયા શહેરો શૈક્ષણિક નગરીની ઓળખ ધરાવે છે. તેમ છતાં અહીં, આરોગ્ય, શિક્ષણ અનેટ્રાન્સપોર્ટેશન જેવી પાયાની સુવિધાઓ સાથે સરકારી વહીવટી કચેરીઓ પણ જિલ્લાકક્ષાની માગ ધરાવે છે. જેથી કરીને પૂર્વ કચ્છના છેવાડાના વિસ્તારને પણ અહીંનો વહીવટી લાભ મળી શકે. અહીં હયાત બે મહાબંદરોની સાથે જ તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ પોર્ટ આકાર લઇ રહ્યું છે. ત્યારે હજુ પણ આવનારા સમયમાં અનેક ઉદ્યોગો અહીં આવશે. તો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિને કારણે પણ વધતા વસ્તી વધારા વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઉભી થશે, તેવું એક અનુમાન સેવાઇ રહ્યું છે. જેથી શહેરમાં રહેલી વ્યાપારની તકોને કારણે વિદેશી નાગરિકો પણ આ શહેર તરફ આકર્ષાય છે. ત્યારે મહાનગરપાલિકાનો દરજ્જાનો નિર્ણય અતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ જોડિયા શહેરોની વસ્તી અને વિકાસને ધ્યાનમાં રાખી તથા નાગરિકોની સુવિધા વધારવા ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી પાસે પણ રજુઆત કરતાં તેઓએ અંગત રસ લઇ આ પ્રશ્ન રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ઉપાડી લેવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...