માગ:કાર્ગો એકતાનગરનો 1 વર્ષ પહેલાં બનેલો રોડ ખસ્તા હાલ, વરસાદમાં થશે હાલાકી

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેવાસીઓએ તાત્કાલિક રિપેરિંગ કરાવવા ચીફ ઓફિસરને માગ કરી

ગાંધીધામના વોર્ડ-6 કાર્ગો એકતાનગરમાં 12 મહિના પહેલાં જ બનાવવામાં આવેલા આરસીસી રોડની હાલત ખસ્તાહાલ થઇ ગઇ છે. ઢાળ સરખા પાડેલા ન હોઇ ઉપરાંત ખાડા પડી ગયા હોવાને કારણે નજીક આવેલા ચોમાસામાં વરસાદ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે તાત્કાલિક આ રોડનું રિપેરીંગ કરાવાય તેવી માંગ રહેવાસીઓએ ચિફ ઓફિસરને કરી છે.

સમસ્ત કાર્ગો વિસ્તારના રહેવાસીઓએ ગાંધીધામ પાલિકાના ચિફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, આ વોર્ડ-6 કાર્ગો એકતાનગરમાં હજી 12 મહિના પહેલાં જ આરસીસી રોડ બનાવાયો હતો. તેમાં કાચું મટિરિયલ એટલે કે ઓછી ગુણવત્તા વાળું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાને કારણે એક મહિનામાં જ હાલત ખરાબ થઇ હતી. વળી તેમાં ખાડા પડી ગયા ઉપરાંત ઢાળ પણ સરખા રાખેલા ન હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાઇ રહે છે. તેના કારણે મચ્છરના ઉપદ્રવ સાથે અકસ્માતો પણ વધે છે.

આ રોડનું કામ જે કોન્ટ્રાક્ટર પરેશ ઠક્કર હસ્તક હતું તેમને પણ આ બાબતે રજુઆત કરવામાં આવી છે પણ આશ્વાસન બાદ આજ દિવસ સુધી રોડનું કોઇ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, ત્યારે આ રોડનું સમારકામ તાત્કાલીક થાય તો આ વર્ષે ચોમાસા દરમિયાન રહેવાસીઓને હાલાકી સહન કરવાનો વારો ન આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...