ગાંધીધામની સાધુવાસવાણી સોસાયટીમાં ચોખાની સફાઇ અને પેકિંગનું કામ કરતી કંપનીના બ્રોકરે રૂ.8.50 લાખની કિંમતનું સફાઇ અને પેકિંગ કરવાનું મશિન ચોરી કરવા ઉપરાંત કંપનીની ઉઘરાણીના રૂ.12.50 લાખ બારોબાર લઇ ઉચાપત કરી હોવાની ફરિયાદ કંપનીના સંચાલકે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.
વોર્ડ-11/બી સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા ગેટ્સ ઇન્ટરનેશનલ કંપનીના સંચાલક રાજકુમાર મુરજલાલ લછવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીમાં વર્ષ-2016 માં બ્રોકર તેમજ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવેલા જામનગરના હિતેષ વિનોદભાઇ આહુજા ગત તા.25 ડિસેમ્બર 2017 સુધી રહ્યા હતા. તેઓ કંપનીના માલ ખરીદ અને વેંચાણની કામગીરી સંભાળતા હતા બાદમાં ખ્યાલ આવ્યો કે ચોખાનો માલ હિતેષ બારોબાર વેંચી મારે છે.
જેથી તા.25 ડિસેમ્બર 2017 ના રોજ તેને છુટા કરવા માટે મેઇલ કરી દેવાયો હતો અને કંપનીના જે હિસાબ કિતાબ બાકી હોય તે તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું જણાવાયું હતું. તા.31 જાન્યુઆરી 2018 માં કંપનીમાં તપાસ કરી તો આ હીતેષે ચોખા સાફ કરવાની ગંગા એગ્રો કંપનીની અને પેકમેક કંપનીની પેકિંગ કરવાની રૂ.8,50,000 ની કિંમતની મશિનરી કંપનીમાંથી ચોરી કરી હોવાનો ઉપરાંત કંપનીની ઉઘરાણી રૂ.12,50,000બારોબાર ઉઘરાવી લઇ વિશ્વાસઘાત કર્યો હોવાનો ખ્યાલ આવ્યો હતો તેનો સંપર્ક કરતાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા. તા.18 એપ્રિલ 2022 થી તા.22 એપ્રીલ 2022 દરમિયાન નિવેોન માટે પોલીસ સ્ટેશને હાજર ન થતાં તેના વિરુધ્ધ કંપનીના સંચાલક રાજકુમારે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
400 ક્વાર્ટરમાં બારી પર રાખેલા 40 હજારના ઇન્વર્ટર અને બેટરી ચોરાયા
ગાંધીધામના ટીબીઝેડ વિસ્તારમાં આવેલા 400 ક્વાર્ટરના મકાન નંબર 26 માં રહેતા 80 વર્ષીય પ્રવિણાબેન ગોપાલજી ગાંધીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત બપોરે સવા બાર વાગ્યાના અરસામાં તેઓ ઘરને તાળું મારી વીમો ભરવા માટે ગયા હતા. સવા વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરની બારી પર રાખેલા રૂ.25,000 ની કિંમતના બે ઇન્વર્ટર અને રૂ.15,000 ની કિંમતની એક બેટરી જોવા ન મળતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ઘરમાંથી રૂ.40,000 ની કિંમતના બે ઇન્વર્ટર અને એક બેટરી ચોરી થઇ હોવાની ફરિયાદ તેમણે નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.