દેશમાં ધર્મના નામે ભાગલા પાડીને રાજકારણ રમાઇ રહ્યું છે ત્યારે કચ્છમાં કોમી એખલાસની ભાવના હજુપણ અકબંધ છે વર્ષોથી ભચાઉ તાલુકાના બાંભણકામાં બ્રાહ્મણ પરિવાર પરંપરાગત રીતે યોજાતા સરોયાપીર અને મહમદ ફકીરના ઉર્ષમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો ઉમટી પડ્યા હતા.
ભટૈયા અટકના બ્રાહ્મણો કે, જેઓ ડાડા બાવાના વંશજ છે અને હાલે બાંભણકામાં તેમની વસ્તી વિશેષ છે. બ્રાહ્મણો વીરગતિ પામતાં સરોયાપીર અને મહમદ ફકીર એટલે કે, મામા-ભાણેજે સમાધી લીધી હતી, જેમના ઋણને યાદ કરીને ડાડા ભાવાના વંશજ બ્રાહ્મણો દ્વારા મેળા, જાતરનું આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉમટી પડતા હોય છે.
હાલે ભટૈયા પરિવારના ધીરજ અમરશી મારાજ (ચોબારી), સરપંચ મોમાયા સહિત ભટૈયા પરિવાર દ્વારા અહીં ઉર્ષ ઉજવવાની સાથે ધ્વજારોહ, ભોજન પ્રસાદ, ભજન-સત્સંગ થતા રહે છે. ધીરજલાલ અમરશી ભટૈયાએ જણાવ્યું હતું કે, વર્ષોથી પરંપરાગત રીતે સરોયાપીર અને મહમદ ફકીરની પૂજા કરાય છે વધુમાં ભટૈયા પરિવારના લોકો ભલેને ધંધાર્થે દેશ-વિદેશમાં સ્થાયી થયા છતાં પણ ઉર્ષમાં અચુક હાજર રહે છે.
બ્રાહ્મણો વીરગતિ પામતાં મામા-ભાણેજ સરોયાપીર અને મહમદ ફકીરે લીધી હતી સમાધી
વેલજી મોહનલાલ બારોટ અને ભગવાનજી બારોટના ચોપડે નોંધાયેલી ઘટના મુજબ સેંકડો વર્ષો પૂર્વે સરોયાપીર અને મહમદ ફકીર કે, જેઓ મામા-ભાણેજ કહેવાય છે તેઓ સિંધ જતી વખતે બાંભણકામાં રાત્રિ રોકાણ કર્યું હતું. જો કે, તેઓ જયારે સિંધમાંથી પરત ફર્યા ત્યારે બાંભણકા ઉજ્જડ બની ગયું હતું. કોઇપણ કારણોસર તરકાર ઉભી થઇ અને બ્રાહ્મણો વીરગતિ પામ્યા હતા, જે વાત સાંભળીને મામા-ભાણેજ બંને અેટલે કે, સરોયાપીર અને મહમદ ફકીરે જીવતે જીવ સમાધી લઇ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.