રાપર તાલુકાના પલાંસવાના બુટલેગર પિતા અને બે પુત્રોએ પડોશીએ તેમના ઘરે અવસરમાં ન બોલાવતાં તે વાતનું મનદુ:ખ રાખી બોલાચાલી કર્યા બાદ ધોકા વડે માર મારી દીકરી સહિત ત્રણ જણાને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે.
પલાંસવાના દસાણી વાસમાં રહેતા 59 વર્ષીય નારાણભાઇ ભવાનભાઇ દસાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યે તેઓ પત્ની અને ત્રણ દીકરીઓ સાથે ઘરે હતા ત્યારે પડોશમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે નરૂ ગણેશભાઇ દસાણી તેમના ઘરે આવ્યો હતો અને તમારા ઘરે અવસર હતો તેમાં અમને કેમ ન બોલાવ્યા કહી ગાળો બોલતાં તેને ગાળો બોલવાની ના પાડી તો ઉશ્કેરાઇ તેણે ધોકા વડે ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી, રાડો સાંભળી નરેન્દ્રના પિતા ગણેશભાઇ ભવાનભાઇ દસાણી અને નરેન્દ્રનો ભાઇ જગદિશ પણ આવ્યા હતા અને તે જ સમયે તેમને સમજાવવા જતા તેમના નાના ભાઇ દિલીપભાઇને પણ ધોકો ફટકાર ડાબા પગમાં અને હાથની ટીચલી આંગળીમાં ઇજા પહોંચાડી હતી તેમની દિકરી ભારતી વચ્ચે આવી તો તેને પણ માથામાં ધોકો ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જતા જતાં તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
જે રાત્રે ઝઘડો થયો તે જ રાત્રે પોલીસે પિતા અને બે પુત્રોને દારૂ સાથે પકડ્યા
પલાંસવામાં બુટલેગર પિતા અને બે પુત્રોએ તા.3/3 ના રાત્રે સાડા નવ દશ વાગ્યાના અરસામાં પડોશી પરિવારના ત્રણ સભ્યોને માર માર્યો હતો અને એ જ મધરાત્રે આડેસર પોલીસે આ બુટલેગર પિતા અને બે પુત્રોને વિદેશી દારુના જથ્થા સાથે પકડી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.