ભેદ ઉકેલાયો:ડીઝલ અને જેક ચોરાતાં પગાર કટ થવાની બીકે ચાલકે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાસેની 1 વર્ષ પહેલાંની ઘટનામાં લૂંટમાં ગયેલા મોબાઇલના ઉપયોગથી ભેદ ઉકેલાયો
  • ​​​​​​ટ્રેઇલર ચાલકે રોકડ અને મોબાઇલ સહિત 32 હજારની લૂંટ થઇ હોવાનું જણાવ્યું હતું

ગળપાદર હાઇવે પર ટ્રેઇલરમાંથી ડીઝલ અને જેક ચોરાઇ જતાં પોતાના પગારમાંથી કટ કરાશે તેવા ડરને કારણે ચાલકે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી બનાવ ઉપજાવી કાઢ્યો હોવાનું બહાર આવ્યું હતું, લૂંટમાં ગયેલા મોબાઇલનો જ વપરાશ કરાતો હોઇ આ ઘટનાનું કોકડું પોલીસે ઉકેલી લીધું હતું.

એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ઘટનાની ફરિયાદ મુળ ઝારખંડના હાલે ગાંધીધામના જે.આર.રોડલાઇન્સના ટ્રેઇલર ચાલક અભયકુમાર શિવપૂજનભાઇ રાજપુતે ગત વર્ષે તા.25/9 ના રોજ એ-ડિવિઝન પોલીસ મથકે એવી ફરિયાદ નોંધાવી હતી કે ગળપાદર હાઇવે પર વહેલી પરોઢે બાઇક પર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ છરી બતાવી રૂ.5,000 રોકડા, રૂ.23,500 ની કિંમતનો મોબાઇલ અને ટ્રેઇલરની ટાંકીમાંથી રૂ.4,000 ની કિંમતનું 50 લીટર ડિઝલ મળી કુલ રૂ.32,500 ની લૂંટ કરી નાસી ગયા છે.

આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા પરંતુ કંઇ મેળ પડતો ન હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસમાં લૂ઼ટમાં ગયેલો મોબાઇલ જ ફરિયાદી ઉપયોગ કરતા હોવાનું જણાતાં ફરિયાદી અભયકુમારને એલસીબી ખાતે બોલાવી પુછપરછ કરાતાં આખરે તેણે ટ્રેઇલરમાંથી તે દિવસે ડિઝલ અને જેક ચોરી થયા હોવાની જાણ થતાં પોતાના પગારમાંથી ચોરી થયેલી રકમ કપાશે તેવા ડરને કારણે આ લૂંટનો બનાવ ઉપજાવી ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત આપી હતી. એલસીબીએ તેના વિરૂધ્ધ એ-ડિવિ. પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ માટે સોંપ્યો હતો.

ખરેખર બનાવ આ રીતે બન્યો હતો
લૂંટની ખોટી ફરિયાદ નોંધાવનાર આરોપી ટ્રેઇલર ચાલક અભયકુમારે પુછપરછમાં કબૂલાત આપી હતી તેમાં ખરેખર બનાવ આ રીતે બન્યો હોવાનું જણાવ્યું હતું કે, તે રાત્રે ટ્રેઇલર ખાલી કરવા મુન્દ્રા જવા નીકળ્યો હતો. ગળપાદર નજીક કુદરતે હાજતે ગયો હતો અને પરત ટ્રેઇલર પાસે આવતાં ડીઝલ ટેન્કમાંથી 50 લીટર ડીઝલ અને જેક ચોરી થયો હોવાનો ખ્યાલ આવતાં તેમને આ ચોરીમાં ગયેલા મુદ્દામાલની રકમ તેમના પગારમા઼થી શેઠીયા કટ કરશે તેવી દહેશતમાં તેમણે ત્રણ અજાણ્યા ઇસમોએ છરીની અણીએ લૂંટ કરી હોવાની ઘટના ઉપજાવી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...