ગાંધીધામ નજીક આવેલા પડાણા પાસે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇક અડફેટે લેતાં છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મુળ બિહારના અને હાલે ગાંધીધામના સેકટર-7 માં રહેતા 21 વર્ષીય પ્રિન્સ અરૂણભાઇ ઠાકુરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પિતા અરૂણભાઇ ગત રાત્રે 8 વાગ્યે ભીમાસરની વનસ્પતિ યોગેશ કંપનીમાંથી બાઇક પર ગાંધીધામ તરફ આવી રહ્યા હતા. તેઓ પડાણા પાસે એચ.પી પેટ્રોલપમ્પ સામે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં તેમને માથામાં, છાતીમાં અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
તેમને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેમણે દમ તોડ્યો હતો. જીવલેણ અકસ્માત સર્જી નાશી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ પીએસઆઇ કિશનકુમાર વાઢેર ચલાવી રહ્યા છે.
હાલ આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પડાણા પાસે હાઇવે પર તેમજ સર્વિસ રોડ પર બેફામ ગતિથી થઇ રહેલા વાહન વ્યવહારને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
ટાગોર રોડ પર રસ્તો ઓળંગતા એક્ટિવા અડફેટે આવેલા 73 વર્ષીય વૃધ્ધા ઘાયલ
આદિપુરના વોર્ડ-3/એમાં રહેતા 73 વર્ષીય જાનકીબેન અશોકભાઇ સામતાણી તા.15/3 ના રોજ સાંજે 7 વાગ્યે પતિ સાથે સ્કુટર પર ગણપતિ માર્ગના કટ પાસે ઉતરી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક્ટીવા ચાલકે તેમને અડફેટે લેતાં માથામાં હેમરેજ, ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. તેમના આફ્રીકા રહેતા પુત્રલોકેશ અશોકભાઇ સમાતાણીએ એક્ટિવા ચાલક સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.