ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં આંગણવાડી બનાવવાનું કામ શરૂ કરાયા બાદ ભુલીજ જવાયુ હોય તેમ ખાડા ખોદીને નખાયા અને ઈંટો રાખી નખાયા બાદ છેલ્લા બે મહિનાથી કામ આગળ ચાલ્યુજ નથી. પરિસ્થિતિ તો એવી ઉભી થઈ છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઈંટો પણ ઓછી થવા લાગી છે ત્યારે ચોમાસા પહેલા આ આંગણવાડી બની જાય તેવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે. વાસ્તવીક પરિસ્થિતિ એવી છે કે ગાંધીધામ તાલુકામાં મહતમ આંગણવાડીઓ ભાડે કે અન્યોના રહેમ પર ચાલવા મજબુર છે.
ગાંધીધામ તાલુકામાં કુલ 183 આંગણવાડીઓ આવેલી છે, જેમાંથી 100 શહેરી વિસ્તારમાં અને 83 ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત છે. જમીની સ્તર પર તપાસ કરતા બહાર આવ્યું કે 183માંથી 122 આંગણવાડીઓ ભાડે કે સમાજ, સંસ્થાઓના સહયોગથી ચાલી રહી છે. તાલુકામાં આંગણવાડીમાં કુલ 12 હજારથી વધુ બાળકો પોતાના ભવિષ્ય તરફ મીટ માંડી રહ્યા છે. પરંતુ તમામને સરકારની અપુરતી કે મોડી આવતી ગ્રાંટ અને તેના વહીવટમા થતા વિલંબના કારણે જમીની સ્તર પર જોઇએ એટલી સતર્કતા સાથે કાર્ય ન થઈ રહ્યું હોવાનો સુર ઉદભવી રહ્યો છે.
કિડાણા ગામમાં છેલ્લા કેટલાક મહિનાથી આંગણવાડીનું કામ ચાલતું હતું તે ઠપ્પ પડ્યું છે, સ્થિતિ એવી છે કે નિર્માણકાર્ય માટે ઠેકેદાર દ્વારા ખાડા પણ ખોદી નખાયા છે અને ઈંટો પણ ખાડાઓમાં રાખી દેવાઈ છે પરંતુ કામ આગળ ધપતું નથી. તપાસ કરતા આ કામ મનરેગા અંતર્ગત તાલુકા પંચાયત સંદર્ભે ચાલતું હોવાનું બહાર આવ્યું હતું, સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે જે ઈંટો રાખેલી હતી તેમાંથી કેટલીક તો ચોરી પણ થવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં આ આંગણવાડી પાસે આવેલા રહેણાક ઘરમાં 500રુપીયાના ભાડે ચલાવાઈ રહી છે.
દરેક આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ મળે તેનું ધ્યાન રખાય છેઃ સીડીપીઓ
ગાંધીધામના ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સોનલબેન જૈનએ જણાવ્યું કે જેટલી આંગણવાડી સરકારી ઈમારતમાં ચાલે છે, તેમાં પીવાનું પાણી, સેનીટેશન જેવી પ્રાથમિક સુવિધાઓ પહેલાથીજ ઉપલબ્ધ હોય છે, જ્યારે કે જેમાં ભાડે ચલાવવા માટે લેવાય છે તેમાં સેનીટેશન, પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધાઓ હોય તે નિશ્ચીત કરવામાં આવ્યા બાદ ભાડે આપવાનો નિર્ધાર કરાય છે, આમ દરેક આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
વસતી અને વિસ્તાર મુજબ ગાંધીધામ પાલિકાએ બનાવવાના છે 4 આંગણવાડીના મકાન
ગાંધીધામના શહેરી વિસ્તારમાં વધતી વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને નવી આંગણવાડી નિર્માણ માટે આદેશ છુટી ચુક્યા છે તો તેમાં શહેરી વિસ્તારમાં આવતી ચાર આંગણવાડીઓનું નિર્માણ ગાંધીધામ નગરપાલિકાએ કરી આપવાનું છે, જે માટેની ગ્રાન્ટની પ્રક્રિયા હાલ ચાલુમાં હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.