ગાંધીધામ નગર પાલિકામાં લાંબા સમયથી ચાલતી ઉઠપઠક હવે નિર્ણાયક વળાંક લેવાની તૈયારી કરી રહી હોય તેમ મોટી સંખ્યામાં નગરસેવકોએ વર્તમાન બોડીમાં કામ ન થતા હોવાથી સંગઠન સમક્ષ નારજગી વ્યક્ત કરીને સુધારો કરવા કડક પગલા લેવાની માંગ કરી છે.
એક દાવા અનુસાર 40થી વધુ નગરસેવકોએ સહિ કરીને સંગઠન સામે રજુઆત કરી હતી કે વર્તમાન બોડીના મુખ્ય સ્થાનોમાં આસીત પદાધિકારીઓ વચ્ચે ચાલતા વિવાદના કારણે શહેરના કામો અટકી પડ્યા છે. હવે ચુંટણી માથે આવશે ત્યારે જનતા સામે શું મોઢે જવું તેવા પ્રશ્નો તેમને થઈ રહ્યા છે. નગરસેવકોએ આ સમસ્યાને નિવારવા કડક હાથે પગલા લે તેવી માંગ કરી હતી.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કરે કેટલાક કાઉન્સીલરોજ નારાજ હોવાનું જણાવીને મામલો આંતરીક હોવાનું અને રાવને યોગ્ય સ્થાને પહોંચાડી હોવાનું જણાવ્યું હતું.નોંધવું રહ્યું કે, છેલ્લા ઘણા સમયથી પાલિકામાં આંતરીક વિખવાદ સપાટી પર આવતો રહ્યો છે ત્યારે હવે સત્તાપક્ષના જ નગરસેવકોએ પાર્ટીલાઇન બરકરાર રાખીને લોકશાહી ઢબે આ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.
‘કર્મચારીઓ અને અધિકારીઓ અંગે નિર્ણય લેવા’ નો કરાયો હતો મુદ્દામાં ઉલ્લેખ
ગાંધીધામ નગર પાલિકાની સામાન્ય સભા આગામી 5મી ઓગસ્ટના યોજાનાર છે ત્યારે તે પહેલા તેમા સમાવેલા એજ એજન્ડાને લઈ વિવાદ અને વિરોધ ઉઠવા પામ્યો હતો. જેને કાઢી નાખવાનું જણાવી દેવામાં આવ્યું હોવાની વાતને ગાંધીધામ શહેર પ્રમુખએ સમર્થન આપ્યું હતું. સામાન્ય સભા પહેલા તેના એજન્ડાને લઈને કર્મચારીઓમાં અસંતોષ અને વિરોધનો ભાવ પ્રગટ્યો હતો.
સુત્રોએ જણાવ્યું કે એજન્ડામાં ‘કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરીની સમીક્ષા અને તે અંગે નિર્ણય લેવાનો’ ઉલ્લેખ છે. જે પરોક્ષ રીતે કર્મચારીઓ અને અધિકારીઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ છે. આ માટે ચાર નગરસેવકોએ પણ પાર્ટી પ્રમુખને પત્ર પાઠવીને આનો વિરોધ દર્શાવી તે એજન્ડાને કાઢી નાખવાની માંગ કરી હતી. હવે સામાન્ય સભામાં નવા જુનીના એંધાણ સુત્રોએ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, જે તે એજન્ડાને કાઢી મુકવા ઉપરથી સુચના પણ અપાઈ ચુકી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ચાલતી આ ગડમથલ કેવો ટર્ન લે છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.