અસુરક્ષિત સંકુલ:આદિપુરમાં મધરાતે 3 વાહન ચોરનો બાઇક માલિકે પીછો કર્યો તો એરગન બતાવી ડરાવીને ભાગી ગયા

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
64 બજારથી બાઇક ચોરી કરતા ઇસમો સીસી ટીવી કેમેરામાં કેદ થયા. - Divya Bhaskar
64 બજારથી બાઇક ચોરી કરતા ઇસમો સીસી ટીવી કેમેરામાં કેદ થયા.
  • ગાંધીધામ- આદિપુરમાં સતત વાહન ચોરીને અંજામ આપતી ગેંગ હથિયારધારી હોવાનો પણ ખ્યાલ આવ્યો !
  • ભોગ બનનારે ફાયરિંગ કર્યું હોવાની ઓડિયો ક્લીપ બનાવી લોકોને જાગૃત કર્યા પણ FIRમાં એરગન ગણાવાઇ

ગાંધીધામ અને આદિપુર સંકુલમાં સતત વાહન ચોરીને અંજામ આપતી ગેંગ હથિયાર પણ સાથે રાખતી હોવાની ઘટના ગુરૂવારે રાત્રે બનેલી ઘટનાથી બહાર આવ્યું છે , જેમાં આદિપુરની 64 બજારમાં ઘર પાસે જ પાર્ક કરેલી મોંઘેરી બાઇકનું હેંડલ લોક ત્રણ જણા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ વાહન માલિક પહોંચતા ત્રણે જણા નંબર પ્લેટ વગરની બાઇક પર ભાગ્યા હતા વાહન માલિકે તેના બનેવી સાથે પીછો કર્યો તો ગન બતાવી જીઆઇડીસી તરફ અલોપ થઇ ગયા હતા.

આ ઘટના અંગે સપનાનગરમાં રહેતા રાહુલ નરેશભાઇ જેઠવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે આદિપુર ચોસઠ બજારમાં રહેતા તેમના સાસરે ગયા બાદ સાળા યશ શિતલ ભાનુશાલી સાથે ફીલ્મ જોવા ગયા હતા. ફીલ્મ જોઇ રાત્રે 1 વાગ્યાના અરસામાં પરત ઘર પાસે આવ્યા ત્યારે ઘર પાસે બાઇક પર બે ઇસમો બેઠા હતા અને ત્રીજો શખ્સ તેમના સાળા યશની હાર્લિ ડેવીડસન કંપનીની મોંઘેરી બાઇકનું હેન્ડલ લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ આવી જતાં ન઼બર પ્લેટ વગરની બાઇક પર ત્રણે ભાગ્યા હતા જેમનો બન્ને સાળા બનેવીએ કારથી પીછો કર્યો હતો.

તેમને પીછો કરતા જોઇ બાઇક પર સવાર એક શખ્સે છ વાળી પાસે એરગન તાકતાં તેઓ પરત ફર્યા હતા અને બાઇક ચોરી કરવા આવેલા ત્રણ ઇસમો આદિપુર જીઆઇડીસી તરફ અલોપ થઇ ગયા હતા. આ બાબતે આદિપુર પોલીસ મથકે તેમણે ત્રણ 27 થી 32 વર્ષીય લાગતા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાથી ડઘાઇ ગયેલા સાળા બનેવીએ ઘરે વાત કરતાં મહેશ સૂટવાલાએ ચેમ્બર ઓફ કોમર્સ , પોતાના ગૃપ મેમ્બર્સ અને લોકોને હથિયાર ધારી બાઇક ચોરો બાબતે જાગૃત કરી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું અને સંકુલ આવા લોકોને કારણે અસુરક્ષિત બન્યું હોવાનું જણાવી આ ગેંગને તાત્કાલીક પકડી કડક સજા કરાય તેવી માંગ કરી હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ચૂંટણી સંદર્ભે હથિયારબંધીના પરિપત્ર છતાં કેમ હથિયારો લઇને જાહેરમાં ફરાય ?
એક તરફ વિધાનસભાની ચૂ઼ટણી જાહેર થયા બાદ આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે, તો હથિયાર બંધી સહિતના જાહેરનામા પણ બહાર પાડી ચૂકાયા છે અને હાલ ચૂંટણીના માહોલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેતો હોવા છતાં આવી અસમાજિક પ્રવૃતિ કરતા ઇસમો કઇ રીતે આવા એરગન જેવા હથિયાર સાથે પણ ફરી શકે તે યક્ષ સવાલ છે, જરૂર છે કડક જાપ્તા અને કાર્યવાહીની , નહીં તો આવા સમયે સુરક્ષિત ન હોવાનો ડર લોકોને રહે છે તેવી ચર્ચા પણ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ સંભળાઇ હતી.

બોલો ! મદ્યરાત્રે પીછો કરનારને ક્યાંય પોલીસ ન દેખાઇ !
અત્યારે ચૂ઼ટણીના માહોલમાં ખાસ રાત્રી પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરાઇ રહ્યું છે પરંતુ ગુરૂવારે રાત્રે 64 બજારમાં બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સનો વાહન માલીકે કારથી પીછો કર્યો હતો તેઓ 64 બજારથી છ વાળી સુધી ગયા જ્યાં એરગન બતાવતાં તેઓ અંજાર રોડથી પરત ઘરે 64 બજાર ફર્યા હતા પરંતુ આ વિસ્તારમાં કોઇ પોલીસ પેટ્રોલિંગ ધ્યાનમાં નહીં આવ્યું હોય ?

64 બજારમાંથી જ ચોરી થયેલી બાઇકની ફરિયાદ પણ નોંધાઇ
આદિપુરના વોર્ડ-4/બીમાં રહેતા ચિંતન વિજયકુમાર મંગેએ તા.2/11 ના રોજ રાત્રે પોતાના ઘર પાસે પાર્ક કરેલી રૂ.35,000 ની કિંમતની બાઇક રાત્રી દરમિયાન ઉપડી ગઇ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી છે, તેમણે જણાવ્યું હતું કે તેઓ ધાર્મિક પ્રસંગે વતન ગયા હોઇ ફરિયાદ મોડી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...