લાંબા સમયથી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેલા નગરપાલિકાના એન્જિયરીંગની આગળની મુદતનો કરાર નામંજુર કરીને બહારનો દરવાજો દેખાડી દેવામાં આવ્યો હતો. ગાંધીધામ નગરપાલિકાની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા એન્જીનીયરની કરારની મુદત 04/06/2022ના પુર્ણ થઈ રહી છે, જેમાં ચર્ચા વિચારણા બાદ એવો નિર્ણય લેવાયો હતો કે વર્તમાન મ્યુનિસિપલ એન્જીનીયરની હાલે કામગીરી સંતોષકારક ન હોઇ સદસ્યો દ્વારા પણ તેમની કામગીરીઓ પ્રત્યે ફરિયાદો કરવામાં આવતી હતી, જેથી નગરપાલિકાની કામગીરીને ધ્યાનમાં રાખીને મુદતમાં વધારો કરવાનું ના મંજુર કરવામાં આવ્યું હતું.
કારોબારી ચેરમેન પુનિતકુમાર દુધરેજીયાના સ્થાને મળેલી બેઠકમાં આ સહિતના એજન્ડાઓ પણ રજુ કરવામાં આવ્યા હતા. આ અંગે નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ જણાવ્યું કે સરકારમાં અલગ અલગ વિભાગ માટે ત્રણ કાયમી એન્જીનીયર આપવાની દરખાસ્ત કરાઈ છે, ઉપલા સ્તરે ભરતીઓ પણ થઈ હોવાથી આ વખતે માંગ સંતોષાઈ જાય તેવી પુર્ણ શક્યતા છે. પરંતુ તે છતાં નિયુક્તી ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે સ્થાનિક નિવીદા પણ બહાર પાડીને એન્જિયર માટે અરજીઓ મંગાવવામાં આવશે.
રાજ્યની સૌથી મોટી નગરપાલિકા, પણ એક કાયમી એન્જીનીયર મળતા નથી!
રાજ્યની મહાનગરપાલિકાઓ બાદ જનસંખ્યાના આધારે નગરપાલિકાઓમાં સૌથી મોટી પાલિકા ગાંધીધામની છે. કોઇ પણ સુધરાઈ માટે મહત્વપુર્ણ અને પાયાના કામો ઈન્ફ્રાસ્ટકચર ડેવલોપમેન્ટ સાથે જોડાયેલા હોય છે. પરંતુ તેજ મહત્વના સ્થાન પર જ્યાં સીનીયર એન્જીનીયરની ખરેખર તો નિયુક્તી થવી જોઇએ, તેની જગ્યાએ વર્ષોથી જુનિયર, આસીસ્ટન્ટ મળી રહ્યા છે. જેના કારણે લોકોની સમસ્યાઓનું સમાધાન આવતું નથી અને ગુણવતા અંગે પ્રશ્નો ઉઠતા રહે છે.
અગાઉના એન્જિયર તો એસીબીની ટ્રેપમાં પણ આવી ગયા હતા, તોય ઠરાવ કરીને પરત લીધા હતા!
ગાંધીધામ નગરપાલિકાની એન્જીનીયરનો હોદો વિખવાદો સાથે સંકળાયેલો હોય તેમ અગાઉ અહીના અધિકારી એસીબીની ટ્રેપમાં આવી ગયા હતા, પરંતુ ત્યારબાદ પણ તત્કાલીન પદાધિકારીઓએ તેમને ઠરાવ પસાર કરીને ગંભીર આક્ષેપો છતાં તેમને પરત લીધા હતા.
હવે ત્રણ મહિનાની મુદત માટેજ જગ્યા બહાર પડાશે
પાલિકા પ્રમુખે જણાવ્યું કે 11 મહિનાના ગાળામાં બંધાયા બાદ કર્મચારીઓ નિશ્ચીંત થઈ જતા હોવાનો અને જવાબદારીઓનો યોગ્ય નિર્વહન ન કરતા હોવાનું સામે આવતા, તેવું ન થાય તે માટે હવેથી ત્રણ ત્રણ મહિનાના ગાળાનીજ મુદત અપાશે, જેના કામકાજના લેખાજોખા જોયા બાદ તેની મુદત આગળ વધારવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.