અકસ્માત:શહેરના મુન્દ્રા સર્કલ પાસે મીની લક્ઝરી બસે વૃધ્ધને અડફેટે લેતાં ગંભીર ઘાયલ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેસેન્જરની લાહ્યમાં ભરચક ટ્રાફીક વચ્ચે પણ માતેલા સાંઢ માફક દોડતી બસો
  • અકસ્માત સર્જનાર ઉભો પણ ન રહ્યો : સીસી ટીવી ફૂટેજ પોલીસને સોંપાયા

ગાંધીધામ અને આદિપુરને જોડતો ટાગોર રોડ 24 કલાક ધમધમતો રહે છે પણ આ રોડ પર ગતિ મર્યાદા માટે કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં તીવ્ર ગતિ સાથે થતો વાહન વ્યવહાર અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જે છે ,જેમાં આદિપુર નજીક મુન્દ્રા સર્કલ પાસે દર્શનાર્થે જતા એક્ટિવા ચાલક વૃધ્ધને ખાનગી મીની લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતાં હેમરેજ સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના નોંધાઇ છે.

આદિપુર ન્યુ જનતા હાઉસમાં રહેતા રેડીમેઇડ કપડાના વેપારી હેમંતભાઇ લેખરાજભાઇ નાનકાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટના તા.2/8 ના સવારે સાડા સાત વાગ્યાના અરસામાં બની હતી જેમા઼ તેમના 61 વર્ષીય પિતા લેખરાજભાઇ રોચીરામ નાનકાણી સવારે એક્ટિવા લઇ પંચમુખી હનુમાન મંદિરે દર્શનાર્થે જઇ રહ્યા હતા ત્યારે મુન્દ્રા સર્કલ પાસે પૂરપાટ જઇ રહેલી ક્રીષ્ના મીની બસના ચાલકે તેમને અડફેટે લેતાં માથાના ભાગે હેમરેજ તેમજ હાથના ભાગે ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જનાર ખાનગી મીની બસનો ચાલક ઉભો પણ રહ્યો ન હતો. ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં પ્રથમ રામબાગ હોસ્પિટલ બાદ ડિવાઇન લાઇફ હોસ્પિટલખસેડાયા હતા. ટાગોર રોડ પર પેસેન્જરની લાહ્યમાં ખાનગી મીની લક્ઝરી બસો માતેલા સાંઢની માફક દોડી રહી છે તેના ઉપર રોક લગાવવી જરૂરી હોવાનું લોકોએ જણાવ્યું હતું. સીસી ટીવી ફૂટેજ પણ ફરિયાદ સાથે પોલીસને અપાયા છે ત્યારે કડક પગલાં લેવાય તેવું ભોગ બનનાર પરિવાર અને નજરે જોનાર લોકો ઇચ્છી રહ્યા છે.

મીની બસોમાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન
ગાંધીધામ- ભુજ વચ્ચે ભારે ટ્રાફિકના આદાનપ્રદાનનો લાભ એસટી ન ઉઠાવી શકતાં મીની લકઝરી બસોએ તેનું સ્થાન લીધું છે. જેમાં તેની ક્ષમતા કરતા ડબલ મુસાફરોને બેસાડીને વધુ ફેરા કરી શકાય તે માટે જોખમી ગતિએ દોડાવવામાં આવે છે. ભુતકાળમાં પણ જેના કારણે અકસ્માત થઇ ચુક્યા છે ત્યારે શા માટે આના પર આરટીઓ કે પોલીસનો કંટ્રોલ નથી તે યક્ષ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...