કામગીરી:પાલિકામાં ગત એક વર્ષમાં 350 મિલકતોમાં વધારો નોંધાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર 4 વર્ષે થવી જોઇતી આકરણી 14 વર્ષથી નથી થઈ
  • હાલમાં 57,200 મિલકતો ઓન રેકર્ડ, દર વર્ષે થાય છે 15 કરોડની આવક

ગાંધીધામ નગરપાલિકામાં છેલ્લા એક વર્ષમાં 350 જેટલી વધુ મિલકતોની નોંધણી કરાઈ છે, જેની સાથે ઓન રેકર્ડ 57,200 જેટલી મિલકતો પાલિકાના ચોપડે બોલે છે. જેના થકી 15 કરોડની વાર્ષિક આવક થાય છે, પરંતુ તેની સામે ઘણુ મોટુ ઉઘરાણુ છે, જેના સુધી પ્રશાસન પહોંચી નથી શકતું. જે માટે સ્ટાફની ઘટ હોવાનો તર્ક આગળ ધરાઈ રહ્યો છે. સામાન્ય રીતે દર 4 વર્ષે થવી જોઇતી મિલકતોની આકરણીની પ્રક્રિયા ગાંધીધામ નગરપાલિકામા તો અંદાજે 14 જેટલા વર્ષથી કરાઈજ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

તે વચ્ચે પણ છેલ્લા એક વર્ષમાં 350 જેટલી નવી મિલકતો પાલિકાના ચોપડે ચડવા પામી હતી. જેમાં 300 જેટલી ગાંધીધામ તો 50 આદિપુરમાં સ્થાન ધરાવે છે. જો નિયમાનુસાર ખરેખર પાલિકા તમામ મિલકતોની આકરણી કરે તો સુધરાઈને મોટી આવક થઈ શકે તેમ છે, પરંતુ લાંબા સમયથી હાથ ન ધરાઈ રહેલી આકારણીની પ્રક્રિયા પાછળ સ્ટાફની ઘટ જવાબદાર હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવે છે.

હાલ નગરપાલિકાને અંદાજે દર વર્ષે 15 કરોડ જેટલી આવક મિલકત વેરામાંથી થાય છે. તો હવે જો ખરેખર સ્ટાફની ઘટ હોય તો તેની પુર્તી કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હક્કની બનતી આવકને પ્રાપ્ત કરાય, જેથી તેનો જનસુખાકારીમાં ઉપયોગ થઈ શકે તેવો સુર ઉઠવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા નવી ભરતીઓ કરવામાં નથી આવી રહી ત્યારે હાલમાં કાર્યરત અધિકારીઓની જવાબદારીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થવી જોઇતી કાર્યવાહીમાં પણ અસર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...