અકસ્માત:ગળપાદર હાઇવે પર ટ્રેઇલરના પૈડા ફરી વળતાં વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત ઝોન બનતા ગાંધીધામ-મુન્દ્રા હાઇવે પર બેફામ વાહન વ્યવહાર સામે કડક કાર્યવાહી ક્યારે ?
  • જીવલેણ અકસ્માત સર્જનાર ચાલક ઉભો પણ ન રહ્યો : આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો

ગાંધીધામથી મુન્દ્રા જતા હાઇવે પર ગતિ મર્યાદા જાળવ્યા વગર થઇ રહેલા વાહન વ્યવહારને કારણે અનેક પરિવારો ખંડિત થયા છે તો અનેક લોકો દિવ્યાંગ પણ બન્યા છે પરંતુ તેમ છતાં આ વાહન વ્યવહાર ઉપર રોક લગાવવા માટે કોઇ કડક કાર્યવાહી કરાતી નથી , તેની વચ્ચે આજે સવારે ગળપાદર હાઇવે પર પૂરપાટ જતા ટ્રેઇલર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં પોતાના નણંદના દિકરા સાથે દવાખાને જઇ રહેલા 66 વર્ષીય વૃધ્ધા ઉપરથી ટ્રેઇલરનો જોટો ફરી વળતાં ઘટનાસ્થળે અરેરાટી ભર્યું મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ અંજારના રામકૃષ્ણ મહાવિરનગરની યમુના પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય વસંતબેન ભીખાભાઇ રાઠોડ (વાળંદ) તેમના નણંદના પુત્ર વિશ્રામભાઇ જોડે એક્ટિવા પર સવારે 9 વાગ્યે એક્ટિવા પર ગાંધીધામ દવા લેવા નિકળ્યા હતા. સવા નવ વાગ્યાના અરસામાં તેઓ ગળપાદર હાઇવે પર હ્યુડાઇ શો-રૂમ સામે પૂરપાટ જઇ રહેલા ટ્રેઇલર ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં પાછળ સવાર 66 વર્ષીય વસંતબેન ફંગોળાઇ રોડ પર પડતાં તેમના ઉપરથી ટ્રેઇલરજો જોટો ફરી વળતાં ઘટનાસ્થળે તેમનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પીએમ માટે મોકલાવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં મિલનસાર સ્વભાવના વસંતબેનના મૃત્યુથી પરિવાર તેમજ સમાજ તથા સોસાયટીમાં માતમ છવાયો હતો. તેમની સોસાયટીના મહિલા મંડળમાં તેઓ તમામ કાર્યોમાં અગ્રેસર રહેતા હોવાનું પણ પરિજનોએ જણાવ્યું હતું.

ગળપાદર હાઇવે પર ટ્રાફિકના તમામ નિયમો નેવે મુકાતા હોવાથી સર્જાય છે અકસ્માત
મોટા વાહન ચાલકો રિફ્લેક્ટર વગર રાત્રે આડેધડ પાર્ક થતા હોય છે, આ રોડ પર 24 કલાક વાહન વ્યવહાર રહેતો હોય છે અને હાઇવેને અડીને ગળપાદર મેઘપર બોરીચી, વરસામેડી જેવા ગામો આવ્યા છે છતાં પણ ગતિ મર્યાદા જાળવ્યા વગર બેફામ વાહન વ્યવહાર કરાય છે. અનેક આવી જીવલેણ ઘટનાઓ એવી છે જેમાં અકસ્માત સર્જનાર ચાલક પાસે લાયસન્સ પણ હોતા નથી ત્યારે આ હાઇવે ઉપર થતા બેફામ વાહન વ્યવહાર ઉપર કડક કાર્યવાહી જરુરી છે કારણ કે અત્યારે ટ્રાફીકના તમામ નિયમોને નેવે મુકી વાહન વ્યવહાર કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...