આદિપુરથી અંજારના નિંગાળ ગામનું અંતર માત્ર 20 કિલોમીટરનું છે તેમ છતાં સાદી પોસ્ટમાં મોકલેલી ટપાલ 10 દિવસે પણ ન મળતાં આદિપુરના શિક્ષિકાએ આ બાબતે પોસ્ટઓફિસનો સંપર્ક કર્યો તો સરકારી જવાબ મળ્યો કે એ ટપાલ મળે પણ ખરી અને ન પણ મળે ! બોલો આજના ફાસ્ટ ડિજિટલ યુગમાં પણ પોસ્ટ વિભાગ ગાડા યુગમાં ચાલતું હોય તેવો અનુભવ થયો હોવાનું ભોગ બનનાર શિક્ષિકાએ જણાવ્યું હતું.
આદિપુર રહેતા અને છાત્રોને શિક્ષણ આપી ભાવી તૈયાર કરતા ઉષાબેન સંજોટે જણાવ્યું હતું કે,તેમના એક મિત્રએ મંગળવારના દિવસે નિંગાળ ગામથી આદિપુર માટે થોડાક ડોક્યુમેન્ટ સાદા પોસ્ટ દ્વારા નિંગાળ પોસ્ટ ઓફિસથી પોસ્ટ કર્યા હતા. મંગળવારના રવાના કરેલા કાગળો આજે 10 દિવસ થઈ ગયા છતાં મળ્યા નથી.
આદિપુર પોસ્ટ ઓફિસમાં પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે સાદી પોસ્ટ કોઈ દિવસ ટાઈમ પર પહોચાડાવવામાં આવતી નથી અને તેનું કારણ કામનો બોજો વધારે છે તેવું કહેવામાં આવ્યું છે. અત્યારે સીટી ની પોસ્ટ ઓફિસ ની હાલત છે એ કે, ઘણા એવા લોકો છે જે ખાનગી કુરિયરના પૈસા ખરચવાને બદલે સાદી પોસ્ટ મારફત કાગળો કે ડોક્યુમેન્ટ મોકલતા હોય છે ત્યારે આ હાલતમાં તેમના અગત્યના કાગળો કે ડોક્યુમેન્ટ સરકારી ખાતાની બેજવાબદારીને કારણે રફે દફે થઇ જતા હોય છે. આવા અનેક લોકોને કડવા અનુભવો થતા હોય છે પણ બોલે કોણ ?
તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના દ્વારા એટલું જરૂર કહી શકાય કે ભારતના નાગરિક ને પોસ્ટ ઓફિસની જે સગવડો મળવી જોઈએ તેટલી નથી મળી રહી,આ કાગળિયાંમાં જો હેલ્થ રિપોર્ટ હોય તો સામેવાળા દર્દીની શું હાલત થાય?, અથવા તો કોઈ જરૂરી કાગળો હોય તો શું પોસ્ટ ઓફિસની આ જવાબદારી નથી આવતું.આ ઘટના મારી સાથે બની છે પરંતુ આવી ઘટના ન જાણે કેટલા લોકો સાથે બનતી હશે.
કુરિયરમાં બીજા દિવસે ડિલિવરીનું ચલણ
પોસ્ટઓફિસની કામગીરીથી નારાજ ઉષાબેને જણાવ્યું હતું કે, હું છેક ડીસાથી બુકો મગાવું છું, આટલે દૂરથી બીજા જ દિવસે તેમના સુધી પહો઼ચે છે ત્યારે દુ:ખ એ વાતનું છે લોકોની સુખાકારી માટે કાર્યરત સરકારી પોસ્ટ વિભાગની કામગીરી આવી કેમ ?
સ્ટાફ ઘટના કારણે સમસ્યા, રવિવારે પણ કામ કરવા મજબુરઃ પોસ્ટ માસ્ટર
આદિપુર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જે.કે. પરમારનો સંપર્ક સાધતા તેમણે ઓછા સ્ટાફના કારણે સમસ્યા હોવાનો એકરાર કરતા જણાવ્યું કે દસ પોસ્ટ મેનની જગ્યાની સામે હાલ માત્ર બે કાયમી અને બે હંગામી છે. શહેરનો વિસ્તાર અને વસ્તી બન્ને વધતા જઈ રહ્યા છે પણ સ્ટાફ ઘટતો જઈ રહ્યો છે. તેમાંય હંગામી ટપાલી રાખવામાં દર 45 દિવસમાં તેમને બદલવાનું જણાવાય છે, જેથી કોઇ ટકતું નથી. આ સાથે ઈન્ટરનેટ સહિતની તકનીકી સમસ્યાઓ પણ ઘણી છે. આ તમામ વચ્ચે અમે લીમીટેડ સ્ટાફમાં કામના કલાકોથી વધારે મોડી સાંજ સુધી અને રવિવારે પણ કામ કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.