કાર્યવાહી:SMCના દરોડાઓ બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ, એક જ દિવસમાં છ સ્થળોએ દરોડા પાડી શરાબ, બીયર પકડી પાડ્યા

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનિટરિંગ સેલનો પૂર્વ કચ્છમાં સપાટો। પડાણા પાસે ભચાઉના બુટલેગરે મગાવેલા 8.11 લાખના દારૂ સાથે ચાલક ઝડપાયો
  • પૂર્વ કચ્છમાં રાજ્ય સ્તરની ટુકડીની કામગીરી બાદ પૂર્વ કચ્છના પોલીસ મથકો સફાળા જાગ્યા

અંજારમાં એક વર્ષથી પાર્ટનરશીપમાં ચાલતા જુગાર ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યા બાદ હવે રાજસ્થાનથી પડાણા પહોંચેલા ભચાઉના બુટલેગરના રૂ.8.11 લાખના દારૂ-બિયર સાથે ચાલકને પકડતાં પુર્વ કચ્છ બેડામાં રીતસર હડકંપ મચી જવા પામ્યો છે. રાજ્ય સ્તરની ટુકડીની કામગીરીથી સફાળી જાગેલી સ્થાનિક પોલીસે પણ લાકડિયા, મનફરા અને કડોલમાં દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.

ગાંધીનગર એસએમસીની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પીએસઆઇ એસ.આર.શર્માને ભચાઉ પહોંચતાં બાતમી મળી હતી કે,રાજસ્થાન તરફથી કચ્છ પાસિંગના ટેંકરમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યો છે અને ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાને ત્યાં ખાલી કરવાના છે.

આ બાતમીના આધારે પડાણા પાસે રામદેવપીર હોટલના પાર્કિંગમાં ઉભેલી બાતમી મુજબની ટ્રકને કોર્ડન કરી ચાલક મુળ રાજસ્થાનના જાલોરના માંગીલાલ હીરારામ જાટને પુછતાં તેણે ટ્રકમાં દારૂ ભર્યો હોવાનું જણાવતાં, તપાસમાં ટેંકરમાથી રૂ.8,11,180 ની કિંમતના દારૂ અને બિયરના 3127 બોટલો અને ટીન મળી આવતાં ચાલક માંગીલાલની અટક કરી રાજસ્થાથી આ જથ્થો મોકલાવનાર ઓપી નામના શખ્સ, ટેન્કરના ચાલકને દોરી સંચાર કરનાર એક શખ્સ તથા આ દારૂનો જથ્થો મગાવનાર અશોકસિંહ ઉર્ફે મામા જાડેજા અને તપાસમાં જે નીકળે તેમના વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવી તપાસ સોંપી હતી.

સ્થાનિક પોલીસ પોટલીઓના ધંધાર્થી પાછળ લાગી, એસએમસીએ વિદેશી દારૂ શોધી લીધો
લઠ્ઠાકાંડ બાદ હાલ જ્યારે દેશી દારૂ પર પુર્વ કચ્છમાં તવાઇ બોલાવાઇ રહી છે ત્યારે સ્થાનિક પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ સામે તવાઇ બોલાવવામાં વ્યસ્ત હતી તે દરમિયાન રાજ્ય સ્તરની ટીમે રાજસ્થાનથી પડાણા પહોંચેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી લેતાં સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગયો હતો.

મનફરામાં 71 હજારના શરાબ સાથે શખ્સ પકડાયો, બીજો ફરાર
ભચાઉ તાલુકાના મનફરા ગામના સાંતલસરી વિસ્તારની વાડીના રહેણાકમાં ભવાન ખીમા કોલીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે ભચાઉ પોલીસે ત્યાં દરોડો પાડી રૂ.16,800 ની કિંમતના વિદેશી દારૂની 48 બોટલ અને રૂ.54,400 ની કિંમતના 544 ક્વાર્ટરીયા મળી કુલ રૂ.71,200 નો દારૂ અને 5 લાખની કિંમતના વાહન સાથે ભવાન ખીમા કોલીને પકડી લીધો હતો જ્યારે આ જથ્થો પહોંચાડનાર રાપર નંદાસરના હમીરજી સમા હાજર મળ્યો ન હતો. કોન્સ્ટેબલ અશોકજી ઠાકોરે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

કડોલના મકાનમાંથી 28 હજારના દારૂ-બીયર સાથે 1ની ધરપકડ
ભચાઉ પોલીસ મથકની ટીમ કડોલ પાસે પેટ્રોલિંગ કરતાં પહોંચી ત્યારે બાતમી મળી હતી કે મહેશ હરીભાઇ મહારાજ પોતાના રહેણાક મકાનમાં અંગ્રેજી શરાબ રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે તેમના રહેણાક મકાનમાં દરોડો પાડી રૂ.12,100 ની કિંમતના 121 ક્વાર્ટરિયા અને રૂ.16,000 ની કિંમતના 160 બિયરના ટીન મળી રૂ.28,100 ના દારૂ બિયર સાથે મહેશ હરીભાઇ મહારાજને પકડી લીધો હતો. આ દારૂનો જથ્થો તેને મનફરાનો ભવાન ખીમા કોલી આપી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું.

લાકડીયા રોડ પરની વાડીમાંથી 18 હજારના શરાબ સાથે 1 જબ્બે
ભચાઉ તાલુકાના લાકડીયા શિવલખા રોડ પર આવેલી વાડીમાં બનાવેલી ઝૂંપડીમાં બાતમીના આધારે લાકડીયા પોલીસે પાડેલા દરોડામાં રૂ.10,800 ની કિંમતના વિદેશી શરાબની 36 બોટલ અને રૂ.7,200 ની કિંમતના 72 બિયરના ટીન મળી કુલ રૂ.18,000 ના દારૂ બીયર સાથે આ દારૂના જથ્થાની રખેવાળી કરતા કલાભાઇ ધનાભાઇ કોલીને પોલીસે પકડી લીધો હતો, જ્યારે મુખ્ય આરોપીઓ ચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મનસુખ તરશી કોલી દરોડા સમયે હાજર મળ્યા ન હતા.

ગળપાદરમાં ટાંકામાંથી 1.47 લાખનો દારૂ મળ્યો
ગળપાદરના નવાવાસમાં રહેતો રાહુલ વિનોદભાઇ ચૌહાણ વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે તેવી બાતમીના આધારે તેના રહેણાકમાં દરોડો પાડી અંડરગ્રાઉન્ડ ટાંકામાં છૂપાછેલા રૂ.1,47,420 ની કિંમતના વિદેશી શરાબની 360બોટલો મળી આવી હતી. પર઼તુ ગળપાદર નવાવાસમાં રહેતો આરોપી રાહુલ વિનોદભાઇ ચૌહાણ હાજર મળ્યો ન હતો. તેના વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું.

નમો ટી પોઇન્ટમાંથી 15 હજારનો ‘ઇંગ્લીશ’ જપ્ત
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં આવેલા કેશર આર્કેડ કોમ્પલેક્સની શોપ નંબર-6 માં આવેલી નમો ટી પોઇન્ટ નામની દુકાનમાં દારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી નમો ટી પોઇન્ટમાંથી રૂ.14,955 ની કિંમતના વિદેશી શરાબની 35 બોટલસાથે આદિપુર નાકોડાનગર સામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નારાણદાસ કોડવાનીને પકડી લઇ વધુ તપાસ માટ બી-ડિવિઝન પોલીસ મથકને સોંપાયો હોવાનું પીઆઇ એમ.એન.રાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...