કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરાતું હોવાનું કહીને છેલ્લા એકાદ વર્ષના અંતરાલમાંજ 500 જેટલા સોપારી ભરેલા કન્ટેનરોને દેશમાંજ ઠાલવી દેવાયા હોવાના કૌભાંડની શંકાના આધારે બે સ્થાનિકો પંકજ ઠક્કર અને મેહુલ પુજારાની ડીઆરઆઈ દ્વારા અટકાયત કરાઈ હતી. જેના ત્રણ દિવસના રિમાન્ડ પુર્ણ થતા ફરી કોર્ટમાં રજુ કરાતા જ્યુડીસલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.
ચકચારી સોપારી પ્રકરણમાં એક બાદ એક ખુલતી પરતોમાં હજી ઘણા મોટા માથાઓના નામ બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જો છેલ્લા એકાદ વર્ષથી આટલા મોટા પ્રમાણમાં સોપારીનો જથ્થો એક્સપોર્ટ ન થઈને સ્થાનિક બજારોમાં ઠલવાતો રહ્યો અને તે કન્ટેનરોની સંખ્યા 500ની સરેરાશ ગણીયે તો સરકારની તિજોરીમા તે હિસાબે 225 કરોડનું ખાતર પાડ્યાનું સામે આવે છે.
આ ચોંકાવનારા આંકડાઓ ધરાવતું મોટુ કૌભાંડ કોઇ મજબુત બેકબોન વિના થવું સંભવ ન હોઇ ખરેખર મુખ્ય સુત્રધારો કોણ છે તેની તપાસ થવી જરૂરી બને છે. પ્રાપ્ત સુત્રો અનુસાર આ કેસમાં હજુ કેટલાક એરેસ્ટ થવાની સંભાવના છે, જેમાં બાંગ્લાદેશમાં એક્સપોર્ટ દર્શાવવા ઉપયોગમાં લવાયેલી સ્થાનિક કડી, તે માટે લોબીંગ કરાવવામાં મદદરુપ તત્વો અને સંભવત દુબઈ અને ગાંધીધામમાંજ ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે જોડાયેલા કેટલાક ઈન્વેસ્ટરોનો સમાવેશ થાય છે.
નિયમાનુસાર કામ કરતા ઉધોગો માટે શિરદર્દ
કાસેઝ હોય કે મુંદ્રા સેઝ હોય, છેલ્લા કેટલાક સમયથી કરચોરોની ગેંગ એક યા બીજી રીતે સરકારની તિજોરીમાં ખાતર પાડીને મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં સક્રિય રહેતા નિયમાનુસાર કામ કરતા યુનિટો માટે પણ આ સીરદર્દ સમાન પરિસ્થિતિ બની છે. આંતરિક સુત્રોનો દાવો છે કે મની અને મસલ્સ પાવર હેઠળ કામ અટકાવવા કે યેનકેન પરેશાન કરવાની પ્રવૃતિથી ઘણા અગાઉ ધંધા છોડી ચુક્યા છે. ત્યારે ખરેખર પરદા પાછળ કામ કરતા મુખ્ય સુત્રધારો સુધી કાનુનના હાથ પહોંચે તે ઝોન વ્યવસ્થાને બચાવવા જરૂરી બન્યું હોવાનો સુર ઉઠવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.