ક્રાઇમ:બરેલી બાદ હવે સયાજીનગરી ટ્રેનનો એટેન્ડન્ટ દારૂની 4 બોટલ સાથે ઝડપાયો

ગાંધીધામએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ આવતી ટ્રેનોમાં અંદરની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ ઉભા કરે છે
  • ગાંધીધામ સ્ટેશન પર તૈનાત રેલ્વે પોલીસે શંકાના આધારે પકડી ગુનો નોંધ્યો

કચ્છ આવતી ટ્રેનોમાં દારૂની હેરાફેરી ટ્રેન અંદર રાખવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ ઉભા કરે છે, જેમાં ત્રણ દિવસ પહેલાં જ હજી બરેલી ભુજ ટ્રેનનો એટેન્ઠન્ટ દારૂની બોટલો સાથે પકડાયા બાદ આજે ગાંધીધામ સ્ટેશને પહોંચેલી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા એટેન્ડન્ટને રેલ્વે પોલીસે વિદેશી દારૂની ચાર બોટલો સાથે ઝડપી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

ગાંધીધામ રેલ્વે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 5:50 વાગ્યાના અરસામાં ગાંધીધામના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી રહેલા પેસેન્જરો ઉપર પેટ્રોલિંગ દરમિયાન ટીમની વોચ હતી ત્યારે ટ્રેનમાંથી ઉતરેલો એક ઇસમ ભચાઉ તરફની સીડી બાજુમાંથી સ્ટેશનની બહાર જઇ રહ્યો હતો તેના પર શંકા જતાં તેને રોકી તેની પાસે રહેલી બેગ તપાસતાં તેમાંથી રૂ.1,400 ની કિંમતના વિદેશી શરાબની 4 બોટલો મળી આવી હતી.

આધાર પુરાવા વગરની આ બોટલો બાબતે પુછપરછ કરતાં તે ભુજના સરપટનાકા મસ્જિદ સામે રહેતો શાહિલ જાકબભાઇ બાફણ હોવાનું જણાવી પોતે સયાજીનગરી એક્સપ્રેસમાં કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. અહીં નોંધવું રહ્યું કે કચ્છમાં આવતી ટ્રેનોમાં દારૂની હેરફેર અનેક વખત બહાર આવી ચૂકી છે.

બરેલી આલાહજરત ટ્રેનમાંથી તો માદક પદાર્થની હેરાફેરી કરાતી હોવાનું ખુલ્યું છે
બહારના રાજ્યમાંથી દારૂનો જથ્થો હોય કે માદક પદાર્થ ટ્રેન મારફત હેરાફેરી થતી રહે છે. ભૂતકાળમાં અનેક વખત દારૂની હેરાફેરી થતી હોવાનું તો બહાર આવ્યું છે પણ આલા હજરત ટ્રેન તથા ભુજ બરેલી ટ્રેનમાંતો માદક પદાર્થની હેરાફેરી પણ બહાર આવી ચૂકી છે ત્યારે જરૂર છે ટ્રેનની અંદર તૈનાત સુરક્ષા કર્મીઓની કડક કાર્યવાહી, સવાલ એ છે કે શા માટે ટ્રેનની અંદર રહેલા સુરક્ષા કર્મીઓને આવી હેરાફેરી ધ્યાને નહીં આવતી હોય ?

અન્ય સમાચારો પણ છે...