ઓનલાઇન જોબ, સ્કીમો માટે અનેક લોભામણી જાહેરાતો સોશિયલ મીડિયા પર આવતી રહે છે પરંતુ જલ આ લોભામણી જાહેરાતોમાં લલચાઇ ગયા તો છેતરપિંડીનો ભોગ પણ બની જવાય છે, એવી જ એક ઘટનામાં આદિપુરના યુવાને ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબની લાહ્યમાં ચીટરોના વિશ્વાસમાં આવી જઇ રૂ.2.52 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.
આદિપુરની 7 વાળીમાં રહેતા 49 વર્ષીય ત્રિલોકસિંઘ કુલદિપસિંઘ ડડિયાલ કોમ્પ્યુટર ઇન્સ્ટિટયુટ ચલાવે છે તેમને ઓનલાઇન જોબની જરૂર હોઇ તા.16/11 ના સોશિયલ મિડીયા પર અમેઝોન કંપનીની પાર્ટ ટાઇમ જોબની લીન્ક પર ક્લીક કરતાં તેમને સાઇટ પર જોવા મળેલા મોબાઇલ નંબર પર વોટ્સએપ પર અમેઝોન એમએનસીમાં રજિસ્ટર્ડ થર્ડ પાર્ટી હોવાનું જણાવ્યું હતું. અને ઓનલાઇન જોબ આપીએ છીએ જેમાં ટાસ્ક પર રૂપિયા ઇન્વેસ્ટ કરો અને ટાસ્ક પુરા થતાં પેમેન્ટ અને કમિશન મળે છે. ત્યારબાદ તેમણે પોતાની તમામ વિગતો મોકલી હતી. આ કાર્યવાહી બાદ તેમને અલગ અલગ ઓર્ડર શિપિંગ ટાસ્કની ડીટેઇલ મોકલી તો પ્રથમ ટાસ્ક પુર્ણ થતાં તેમણે રૂપિયા પણ મોકલ્યા જેથી વિશ્વાસ આવતાં બીજા ટાસ્ક માટે જુદા જુદા 12 ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ મારફત રૂ.2,52,494 મોકલી આપ્યા હતા.
ત્યારબાદ ટેલિગ્રામ મેન્ટર દ્વારા તમારા ટાસ્ક પુરા થયા છે તમારી યુઝર આઇડીમાં કમિશન સાથે રૂ.5,21,483 જમા થયા છે. જો તમારે જોઇતા હોય તો ઇન્કમ ટેક્ષના રૂ.1,04,296 મોકલો તેમ જણાવી ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબના નામે રૂ.2,52,494 મેળવી આજ દિવસ સુધી પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાવી સમીર કાંથા ત્રીપાઠી, ધારક નિશાંત દલવાઇ, સાફિયા બાનો સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમણે તા.19/11 ના ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી
ઓનલાઇન જોબ માટે જાહેરાત જોયા બાદ રૂ.2.52 લાખ ગુમાવનાર યુવાને તા.17/11 ના બનેલી ઘટનામાં તા.19/11 ના રોજ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજ દિવસ સુધી નાણા પરત ન મળતાં તેમને આજે ફરિયાદ નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
અપનાનગરના મહિલાએ ચેક આપ્યા વિનાજ ખાતામાંથી 42 હજાર સરકી ગયા
અપનાનગરમાં રહેતા પ્રોઢ મહિલાનું ગત સાંજે અચાનક મોબાઈલ પર ધ્યાન જતા તેમાં એક એસએમએસ આવેલો પડ્યો હતો. જેમાં 42 હજાર જે તે વીમા સેક્ટર સાથે સબંધિત કોઇ કંપનીના નામે કટ થઈ ગયા હોવાનું અને તે ચેક મારફતે થયાનું જણાવ્યું હતું. આ અંગે તેમણે બેંકમાં તપાસ કરતા પણ તે સાચી વાત હોવાનું બહાર આવતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. તેમનું કહેવું છે કે જે ચેકનો એસએમએસમાં ઉલ્લેખ છે, તે ચેકબુક તેમનીજ પાસે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.