આદિપુરમાં 3-એ વિસ્તારમાં સાડા ચાર મહિના અગાઉ થયેલી રૂ. 14 લાખ 39 હજારની ઘરફોડ ચોરીના બે આરોપીને સ્થાનિક પોલીસે પક્ડી પાડયા હતા.
આદિપુરના 3-એ વિસ્તારમાં મકાન નંબર 144માં રહેતા તથા શિપિંગનો વ્યવસાય કરતા ઉમેશ નેનવાણીના બંધ મકાનમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ ફરિયાદી પોતાના પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. પાછળથી તા. 12/8થી 13/8 દરમિયાન તેમના બંધ મકાનમાં તેમના જ ચોકીદારે પોતાના સાગરીતો સાથે ખાતર પાડયું હતું. ફરિયાદી રાજસ્થાનથી પરત આવી ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતાં પોતાના ચોકીદાર ધર્મબહાદુર ઉર્ફે ભરત દાનબહાદુર શાહી, તેનો સાઢુ યોગેશ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.
આ ચારેય વિરુદ્ધ રૂ. 14 લાખ 39 હજારની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી આ શખ્સો પોલીસના હાથમાં આવતા નહોતા. તે દરમ્યાન આ શખ્સો પૈકી ધર્મબહાદુર ઉર્ફે ભરત તથા નેત્રાબહાદુર ઉર્ફે દિનેશ દાન બહારદુર શાહી વાપી હોવાનું બહાર આવતાં સ્થાનિક પોલીસની એક ટીમ ત્યાં ધસી ગઈ હતી અને આ બંને શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી હાલમાં રોક્ડ રૂ. 20 હજાર 325 કબજે કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.