આદિપુરના જનતા પેટ્રોલપંપ પાસે પાર્ક કરવામાં આવેલી કંપનીમાં ચાલતી રૂ.11 લાખની 56 સિટર બસની ચોરી કરવાની ઘટનામાં સ્થાનિક પોલીસે ગઈકાલે પડાણાના વાડામાં ચોરીની બસ રાખનારને પકડી પાડ્યા બાદ આજે બસ ચોરી કરનારને દબોચી લીધો હતો.
આદિપુરના પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના જનતા પેટ્રોલપમ્પ પાસે પાર્ક કરેલી મીઠીરોહર મધ્યે આવેલી શ્રી રામ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડ્રસ્ટ્રીઝ લિ. કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી સ્ટાફ બસ તરીકે ચાલતી રૂ.11 લાખની કિંમતની 56 સિટર સ્ટાફ બસ ચોરી થઇ હોવાની ફરિયાદ તા.1/3ના રોજ અંજાર રહેતા કોન્ટ્રાક્ટર જયવીરભાઇ મકવાણાએ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ આ ગુનાનો ભેદ ઉકેલવા સતત વોચમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, વશરામ કોલીએ આ બસ ચોરી કરી છે અને અન્ય ગુનાને અંજામ આપવા આદિપુર આવેલ છે.
બાતમીના આધારે પોલીસે વશરામ ઉર્ફે વસીયોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલ આરોપી વશરામ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિરૂદ્ધ અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, ભુજ પોલીસ સ્ટેશનમાં 12 અલગ-અલગ ગુનાઓ નોંધાયેલ છે. તેમજ આરોપી એક વખત પોલીસ જાપ્તામાંથી તથા એક વખત જેલ કસ્ટડીમાં નાસી ગયો હોવાનું પીએસઆઇ બી.વી. ચુડાસમાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.